વેરાવળઃ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રીની ઉજવણીનો કાર્યક્રમ બહાર પાડતાં સોમનાથ ટ્રસ્ટે જણાવ્યું હતું કે, શિવરાત્રી નિમિત્તે યાત્રીઓના વધુ પડતા પ્રવાહને ધ્યાનમાં લઈને સોમનાથ મંદિર નિયમ સમય કરતાં બે કલાક વહેલું સવારે ચાર વાગ્યે ખૂલી જશે અને સતત ૪૨ કલાક મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા રહેશે. આ ઉપરાંત વેરાવળથી સોમનાથ સુધીની ભગવાન શિવજીની સંપૂર્ણ વૈદિક પાલખીયાત્રા નીકળશે.
આ પવિત્ર દિવસે સોમનાથ મંદિર પરિસરમાં શિવપાર્થેશ્વર પૂજન સાથે મહામૃત્યુજંય યજ્ઞ, હોમાત્મક લઘુરુદ્ર અને ચાર પ્રહરની વિશેષ આરતી થશે. આશરે ૨૫૦ વધુ કલાકારો દ્વારા શિવજીની શિવવંદના થશે. પદ્મશ્રી એવોર્ડ સન્માનિત પાર્શ્વગાયિકા ડો. સીમા ઘોષ તેમજ ગુજરાતી ગાયિકા ઐશ્વર્યા મજુમદાર શિવ આરાધનામાં જોડાશે.
માટીનાં શિવલિંગ
મહાશિવરાત્રીના દિવસે સોમનાથ મંદિર પરિસરમાં શિવપાર્થેશ્વર પૂજનનું ખાસ આયોજન કરાયું છે. જેમાં મહાદેવના દર્શને આવતા શિવભક્તો તેમના સ્વહસ્તે માટીના શિવલિંગનું સર્જન કરી શકશે. આ શિવલિંગોની સોમપુરા બ્રાહ્મણો દ્વારા ખાસ વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજાવિધિ થાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
જૂનાગઢમાં મેળાનો પ્રારંભ
ગિરિવર ગિરનારથી ગોદમાં યોજાતા મહાશિવરાત્રી મેળાનો ૨૦મીએ સવારે ભવનાથ મહાદેવ મંદિરે સંતો-મહંતો, ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ સાથે વિધિવત્ પ્રારંભ થયો છે.
આ સાથે ઉતારા અને અન્નક્ષેત્રો ધમધમવા લાગ્યા છે. ભવનાથ તળેટીમાં ‘મિનિ કુંભ’ સમાન મહાશિવરાત્રી મેળામાં ઉમટતી માનવ મેદનીને ધ્યાને લઈને જૂનાગઢ એસ.ટી. તંત્ર દ્વારા ૨૨૫ એસ.ટી. બસોની ફાળવણી કરાઈ છે. તેમાં ૨૫ મિની બસો શહેરથી ભવનાથ વચ્ચે ચાલે છે. ભાડાના દર એસ.ટી.ના મિનિમમ ભાડાના દરે વસૂલાય છે.