જૂનાગઢઃ ગિરનારની ભવનાથ તળેટીમાં યોજાયેલા ત્રિદિવસીય મહાશિવરાત્રી મેળાના ૨૪મીએ અંતિમ દિવસે છ લાખથી વધુ ભાવિકો તળેટી આવ્યા હતા. મોડી સાંજે મેળાના આકર્ષણરૂપ દિગમ્બર સાધુ-સંતોની રવેડી નીકળી હતી. મૃગીકૂંડમાં શાહી સ્નાન, મહાપૂજા સાથે મેળો સંપન્ન થયો હતો.
પરંપરાગત રીતે ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મેળાનો ભવનાથ મહાદેવ મંદિરે સંતો - મહંતો, રાજ્યના ઉચ્ચ અધિકારીઓ, પાલિકાના હોદ્દેદારો, આગેવાનોની ઉપસ્થિતિમાં વિધિવત પ્રારંભ થયો હતો.
પ્રથમ દિવસે ભાવિકોની પાંખી હાજરી વર્તાઇ હતી. મેળાના બીજા દિવસથી ભાવિકોનો સારો એવો પ્રવાહ શરૂ થયો હતો. મેળો જેમ જેમ જામ્યો તેમ તેમ ભાવિકોની ભીડ પણ જામવા માંડી હતી. પરિણામે છેલ્લા દિવસે પરમીટવાળા ખાનગી વાહનોની પણ પ્રવેશબંધી કરવી પડી હતી.
મેળા દરમિયાન ભવનાથ મંદિરનો વહીવટ જિલ્લા વહીવટી તંત્રએ સંભાળતાં ત્રણ સપ્તાહની આવક રૂ. ૧૦.૮૨ લાખ થવાના અહેવાલ રજૂ થયા છે. આ રકમ મંદિરના બેંક ખાતામાં જમા કરાવાઈ છે.
ગોલ્ડનબાબાને જોઈને ભાવિકો આશ્ચર્યમાં
મહાશિવરાત્રિના મેળામાં અનેક સંતો આવે છે. તેમાં શંભુ પંચ દશનામ જૂના અખાડા રમતા પંચ સોળ મઢી હરિદ્વારનાં શ્રી મહંત ગોલ્ડનપુરી બાબા મેળામાં પધાર્યા હતા. મેળામાં તેઓ પ્રથમ વખત આવ્યા હતા. તેમને જોઈને ભાવિકો આશ્ચર્યમાં પડી જતા હતા. બાબા ૬ કિલો સોનું પહેરે છે. તેમણે પહેરેલા સોનાનાં રક્ષણ માટે સાથે બાઉન્સર પણ રખાયા છે. બાબા કહે છે, મારા ઇષ્ટદેવી-દેવતાઓ સોનું પહેરવાથી ખુશ થાય છે. આથી હું આટલું સોનું પહેરું છું. પહેલાં બે તોલા સોનું પહેરતો હતો. પછીથી ૧૪ કિલો, પણ ગળાનું ઓપરેશન કરાવ્યા બાદ હવે તેઓ ૬ કિલો સોનું પહેરું છું.
સોમનાથમાં બે લાખ ભક્તો
બાર જ્યોતિર્લિંગમાં સૌપ્રથમ સોમનાથ મંદિરમાં પણ દર વર્ષની જેમ આ વખતે પણ મહાશિવરાત્રિના પર્વની આસ્થા-ઉલ્લાસપૂર્વક ઊજવણી કરાઈ હતી. અઢી લાખથી વધુ ભક્તો મહાશિવરાત્રિએ મહાદેવના દર્શનનો લહાવો લીધો હતો.