મહાત્મા ગાંધીજી જે સ્કૂલમાં ભણ્યા તે મ્યુનિસિપલ શાળા નં. ૧માં ધોરણ-૮ની સ્કૂલના પ્રિન્સિપાલે ચોટલાના વાળ કાપી નાંખ્યાનું સામે આવ્યું છે. કોઠારિયા નાકા પાસે આવેલા મહાપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળા નં. ૧માં વિદ્યાર્થિનીઓને મહિલા પ્રિન્સિપાલ હેતલબહેન પારિયા દ્વારા એવી સૂચના અપાઈ હતી કે દરેક વિદ્યાર્થિનીઓએ બે ચોટલા રાખીને સ્કૂલે ભણવા આવવું, પરંતુ છ-સાત વિદ્યાર્થિનીઓએ આ સૂચનાનું પાલન નહીં કરતાં આચાર્યાએ તેમના ચોટલાના છેડાના ભાગે કાતર ફેરવી તે કાપી નાંખ્યો હતો. આ ઘટના બાદ બે વિદ્યાર્થિનીઓના વાલીઓ શિક્ષણ સમિતિએ ફરિયાદ કરતા આ ઘટના પ્રકાશમાં આવી હતી. પાલિકાના વિપક્ષી નેતા વશરામ સાગઠિયા સહિતના નેતાઓ વાલીઓ સાથે શિક્ષણ સમિતિની કચેરીએ ધસી ગયા અને આચાર્યાના આ કૃત્ય સામે રોષની લાગણી વ્યક્ત કરી હતી. આ વખતે ભારે હોબાળો મચ્યો હતો અને અંતે શિક્ષિકાએ લેખિતમાં માફી માંગીને ફરી આવું નહીં કરવા ખાતરી આપતાં મામલો થાળે પડ્યો હતો.