પાલિતાણા: જૈન ધર્મના અગ્રણી તીર્થ ગણાતા એવા પાલિતાણામાં ચોથી નવેમ્બરથી શૈત્રુંજય તીર્થની યાત્રાનો આરંભ થઈ ગયો હતો. યાત્રા માટે ‘જય જય આદિનાથ’ના જયઘોષ સાથે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા. પાલિતાણા શેત્રુંજય ડુંગર પર અષાઢ સુદ પૂનમથી કારતક સુદ પૂનમ સુધી ૪ મહિના યાત્રા બંધ રહે છે. ૪ મહિના બાદ પૂનમથી અહીં યાત્રાનો આરંભ થાય છે. યાત્રા અંતર્ગત શનિવારના રોજ કારતક સુદ પૂનમથી શેત્રુંજય તીર્થયાત્રાનો આરંભ થયો હતો. શેત્રુંજય તીર્થ પર કારતક સુદ પૂનમના રોજ યાત્રાનું ભારે મહત્ત્વ છે. ગિરિરાજની યાત્રા દરમિયાન શ્રાવકો ૩૭૫૦ પગથિયા ચડીને યાત્રા પૂર્ણ કરે છે.
દેશભરમાંથી જૈન સાધુ, સાધ્વીઓ, ગુરુ ભગવંતો, જૈન અને જૈનેત્તર લોકો મોટી સંખ્યામાં શનિવારે ઉમટયા હતા. શેત્રુંજય તીર્થની યાત્રા પૂર્ણ કરી ભાવિકો પૂણ્યનું ભાથું બાંધશે. આદિનાથ પ્રભુ આ તીર્થ પર ૯૯ વખત પધાર્યા હતા તેથી કારતક પૂનમથી ૯૯ યાત્રાનો આરંભ થાય છે. આ બાબત અંગે પાલિતાણાની શેઠ કલ્યાણજી આણંદજી પેઢીના મેનેજર મનુભાઈએ શાહે એક વાતચીતમાં જણાવ્યું કે, આ વર્ષે યાત્રા માટે ૪૦ જેટલા છ’રીપાલિત સંઘ આવશે. પેઢી દ્વારા યાત્રિકો માટે કાચું પાણી, ઉકાળેલું પાણી, સિક્યુરિટી સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.