સોમનાથઃ શ્રાવણ માસમાં આમ તો મંદિરોમાં ભક્તોની ભીડ રહેતી હોય છે, જોકે કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે સૌરાષ્ટ્રના અમુક મંદિરોમાં ભક્તોને દર્શન માટે પણ પ્રતિબંધ મુકાયો છે તો કેટલાક મંદિર ટ્રસ્ટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે કે સોશિયલ ડિસ્ટન્સ અને સરકારી ગાઈડલાઈન પ્રમાણે ભક્તો ભગવાનના દર્શન કરી શકશે, પરંતુ ભગવાનને દૂધ કે જળ સહિતનો અભિષેક નહીં કરી શકે. પ્રસાદ ચડાવવા, આપવા કે લેવાની પણ મનાઈ ફરમાવાઈ છે.
સોમનાથમાં માત્ર દર્શન
સોમનાથ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન મહાદેવના દર્શન કરવા માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરાઈ છે. શનિ, રવિ, સોમ તેમજ તહેવારોના દિવસોમાં સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં દર્શનનો સમય સવારે ૬થી૬.૩૦, ૭.૩૦થી ૧૧.૩૦, બપોરે ૧૨.૩૦થી સાંજે ૬.૩૦ અને સાંજે ૭.૩૦થી રાત્રે ૯.૧૫ સુધીનો રહેશે. સોમાનાથમાં ૨૫ વર્ષથી નીકળતી પાલખીયાત્રા પણ આ વર્ષે શ્રાવણ માસમાં નહીં નીકળે.
ભાવનગરના તખ્તેશ્વર મંદિરમાં
ભાવનગરના રાજવી તખ્તસિંહજીની યાદમાં ટેકરી પર તખ્તેશ્વર મહાદેવજી મંદિરનું નિર્માણ કરાયું હતું. આ મંદિરના પૂજારીએ જણાવ્યું કે, તમામ દર્શનાર્થીઓએ ફરજિયાત માસ્ક પહેરીને અને સેનિટાઈઝ કરીને પ્રવેશ અપાશે. દર્શનાર્થીઓને દર્શન માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે. મહાદેવજીને દૂધ અને જલાભિષેક માટે ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ છે. જોકે ભક્તોએ ગર્ભગૃહમાં પ્રવેશ વગર બહારથી અભિષેક કરવાનો રહેશે.
રામનાથ મંદિરે તૈયારી
રાજકોટના પૌરાણિક રામનાથ મહાદેવ મંદિર અને પંચનાથ મહાદેવ મંદિરમાં ત્રણ ફૂટ દૂરથી જ ભગવાનનાં દર્શન થઇ શકશે. ભક્તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. ભક્તો દૂધ કે જળ અભિષેક નહીં કરી શકે અને પૂજા - પ્રસાદ વિધિ પણ નહીં કરી શકે. રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે શ્રાવણ માસને લઇને ગાઈડલાઈન બહાર પાડી છે. જેમાં મંદિરોમાં પ્રસાદની વહેંચણી પર પ્રતિબંધ અને મંદિરોમાં મૂર્તિને સ્પર્શ કરવા તથા ધાર્મિક પુસ્તકોને સ્પર્શ કરવા પર પ્રતિબંધ છે. દર્શન સમયે ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન અને માસ્ક ફરજિયાતનો આદેશ છે. આ ઉપરાંત યાદી પ્રમાણે સામૂહિક પગરખાંગૃહ બંધ રાખવા, ધાર્મિક મેળાવડા તથા પાલખીયાત્રા સહિતના કાર્યક્રમો બંધ રાખવાનો આદેશ કરાયો છે. મંદિર બહાર કોરોના અંગે જાગૃતિ બોર્ડ લગાડવા ફરજિયાત કરાયું છે.