વેરાવળઃ શ્રાવણના છેલ્લા સોમવારે સોમનાથને વિશેષ શણગાર કરાયો હતો. મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે સહપરિવાર દાદાના દર્શન કરી ધ્વજા ચડાવી હતી. અમદાવાદના વેપારીએ સવા કિલો ચાંદી અર્પણ કરી હતી જયારે વડોદરાના એક શ્રદ્ધાળુએ ૨૫૦૦ કમળ પુષ્પો અર્પણ કર્યા હતા. શ્રાવણ માસ દરમિયાન અરબી સમુદ્ર કાંઠે બિરાજમાન પ્રથમ આદિજ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર શિવભક્તોનો સમુદ્ર ઉમટી પડ્યો હોય તેમ શ્રાવણ માસ દરમિયાન મહાદેવને ૧૫ લાખથી વધુ શિવભક્તોએ શીશ ઝુકાવ્યું છે તો મંદિર પર દાનનો વરસાદ થયો હોય તેમ શ્રાવણનાં એક માસ દરમિયાન મંદિરની આવક રૂ. સાડા ચાર કરોડને પાર કરતાં અત્યાર સુધીની મંદિરની આવકના તમામ રેકોર્ડ તૂટ્યા હોવાનું જાણવા મળે છે. શ્રાવણમાં સોમનાથ મહાદેવને એક ભાવિકે સોનાની લગડી તેમજ બે ભાવિકોએ કુલ સવા ચાર કિલો ચાંદી ચઢાવી હોવાનું સોમનાથ ટ્રસ્ટે જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચને ગુજરાત પ્રવાસન વિભાગ માટે ‘ખુશ્બુ ગુજરાત કી’ કેમ્પેઈન અંતર્ગત ‘કુછ દિન તો ગુઝારો સોમનાથ મેં...’ ફિલ્મ કર્યા બાદ સોમનાથ મંદિરની લોકપ્રિયતામાં વધારો પણ દેખાઈ રહ્યો છે
અને ભક્તોનો ધસારો પણ વધી રહ્યો છે.