જૂનાગઢઃ શાસ્ત્રો મુજબ ગિરનારની તળેટીમાં આવેલા પવિત્ર દામોદરકુંડમાં પ્રજાપિતા બ્રહ્માજીએ પવિત્ર નદીઓ ગંગા યમુના અને સરસ્વતીનાં નીર દામોદરકુંડમાં વહાવ્યા હતા. તેથી દામોદરકુંડમાં અમાસે પિતૃતર્પણનો અનેરો મહિમા છે. આ શ્રાવણી અમાસે પણ પિતૃઓનાં મોક્ષાર્થે ભાવિકો દ્વારા મધરાતથી પિતૃતર્પણનો પ્રારંભ થયો હતો. દામોદરકુંડમાં અમાસની ભીડને ધ્યાને લઈને જિલ્લા તંત્ર દ્વારા તળેટી માર્ગને વન-વે જાહેર કરાયો હતો. જિલ્લા પોલીસ વડા દ્વારા દામોદરકુંડ તથા તળેટી માર્ગ ઉપર કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પરોઢિયાથી ટ્રાફિક જામતા જ પાજનાકાથી વાહન પ્રવેશબંધી ફરમાવાઈ હતી. દામોદરકુંડનો જિર્ણોદ્વાર થતાં હવે ગંદા પાણીની સમસ્યા ઉકેલાઈ છે. આ વર્ષે સારા વરસાદને કારણે શુદ્ધ પાણી પણ વહે છે.