અમદાવાદઃ કાશ્મીર ખીણમાં તાજેતરમાં વકરેલી હિંસાના કારણે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે ત્યારે શ્રીનગરમાં ૧૫૦ જેટલા અમરનાથ યાત્રીઓ સાથે ફસાયેલા રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ ૧૭મીએ અમદાવાદ પરત ફર્યા બાદ જણાવ્યું હતું કે, શ્રીનગરમાં પથ્થરમારો ચાલુ હતો અને કર્ફ્યુ લદાયો હતો તેવી પરિસ્થિતિમાં ત્રણ દિવસ પસાર કર્યા બાદ અમારી મદદે સીઆરપી અને સેનાના જવાનો ઇશ્વર બનીને આવ્યા અને તેમની મદદથી રાતે ૧૨ વાગે અમે ત્યાંથી સુરક્ષિત બહાર નીકળ્યા હતા. જાણે ઇશ્વરે અમને ત્યાંથી બહાર કાઢ્યા છે.
તેમણે જણાવ્યું કે, અમે બાલતાલથી શ્રીનગર આવતા હતા તે વખતે અમારી બસો પર પણ પથ્થરમારો થયો હતો. આવા સંજોગોમાં અમે શ્રીનગર હોટલ સુધી પહોંચ્યા પરંતુ બધા છૂટા પડી ગયા હતા. જોકે સુરક્ષા જવાનોની મદદથી તેમજ બસ ડ્રાઈવરને હિંમત બંધાવ્યા બાદ અમેે રાત સુધીમાં તમામને સુરક્ષિત હોટલ સુધી પહોંચાડવામાં સફળ રહ્યા હતા.