• સુરેન્દ્રનગરનાં કમળાકાંડમાં સઘન તપાસઃ સુરેન્દ્રનગરની સી. યુ. શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ૧૫થી વધુ થેલિસિમિયાથી પીડાતા બાળકોને લોહી ચઢાવ્યા બાદ કમળાની અસર થતાં સોમવારે હોસ્પિટલમાં આંતરિક તપાસના આદેશો અપાયા છે. જોકે, હોસ્પિટલ સત્તાવાળાઓ એવો લૂલો બચાવ કરી રહ્યા છે કે, બાળકોને અગાઉ અન્ય કોઈ જગ્યાએ લોહી ચઢાવાયું હોય તો તેમને કમળાની અસર થઈ શકે છે.
• રાજકોટને એઇમ્સ મળે તેવી શક્યતાઃ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી હોમટાઉન રાજકોટમાં રૂ. ૨.૧૯ કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો માટે આઠમીએ આવ્યા હતા. રૂપાણીએ રાજકોટમાં સભા સંબોધતાં એઇમ્સની સુવિધા પણ રાજકોટમાં મળી શકે એવી સંભાવના વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર દ્વારા ગુજરાતમાં એઈમ્સ માટે વડોદરા અને રાજકોટની પસંદગી કરાઈ હતી અને રાજકોટમાં એઈમ્સ બનાવી શકાય કે નહીં તે માટેની તપાસ માટે એક ટીમ રાજકોટ પણ આવી હતી. આ ટીમે કેટલાક લોકેશન જોયા પછી ખીરસરા નજીકની એક જમીન પર શક્યતઃ પસંદગી ઉતારી હતી. તેવું કહેવાઈ રહ્યું છે.
• કુખ્યાત મુસ્તાક મીરની હત્યામાં મૂળરાજ રિમાન્ડ પરઃ નવા બસ સ્ટેશન પાસેના શનાળા રોડ પર કુખ્યાત મુસ્તાક મીરની ગોળીઓ મારીને હત્યા કરવા બદલ પકડાયેલા જોડિયાના ભીમકટા ગામના મૂળરાજસિંહ અજીતસિંહ જાડેજાના સ્થાનિક પોલીસે કોર્ટ પાસેથી સાત દિવસના રિમાન્ડ નવમી એપ્રિલે મેળવીને મૂળરાજની પૂછપરછ આદરી હતી. આ ઉપરાંત આ કેસમાં સંડોવાયેલા વધુ એક આરોપી પલ્લભ રાવલની પણ પોલીસે ધરપકડ કરી છે.
• બોટાદમાં ધોળા દિવસે બિલ્ડરનું અપહરણઃ બોટાદમાં ધોળા દિવસે બિલ્ડર દિલાવરભાઈ મદતઅલી હમીદનું ગનની અણીએ બોલેરો કારમાં ૧૦મીએ અપહરણ થયું હતું. પોલીસે અપહરણ પહેલાં બિલ્ડર પાસે ખંડણી માગવા અંગે પકડાયેલા મોટામાત્રા ગામના કુલદીપ શિવકુભાઈ ખાચર અને તેમના સાગરિતોની તપાસ આદરી છે. દરમિયાન અપહૃત બિલ્ડર ગઢડાથી છૂટીને બોટાદ પહોંચ્યો હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું હતું.