• ચૂંટણી બંદોબસ્તમાં બીએસએફ જવાનનું મૃત્યુરાજ્યની વિધાનસભા ચૂંટણીના બંદોબસ્ત માટે ભાવનગરમાં આવેલા રાજસ્થાનના બીએસએફના જવાન લખરામ પ્રેમતસરામ (૪૫) એએસઆઈ (રાજસ્થાન)નું ફરજ દરમિયાન હાર્ટ એટેક આવતાં મૃત્યુ નીપજ્યું હતું. ભાવનગરમાં મતગણતરી થવાની હતી તે સ્ટ્રોંગરૂમના બંદોબસ્તમાં તેઓ હતા અને રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિની વાડીમાં તેમને ઉતારો અપાયો હતો. ૧૬મીએ સવારે તેમને હૃદયરોગનો હુમલો આવતાં બેભાન હાલતમાં તેમને હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચતાં સુધીમાં તેમનું મૃત્યુ થયું હતું. જવાનના મૃતદેહને વહીવટી તંત્ર દ્વારા પોલીસ હેડક્વાર્ટર લવાયો હતો અને ‘ગાર્ડન ઓફ ઓનર’ સાથે તેમના મૃતદેહને વતન રાજસ્થાન રવાના કરાયો હતો.
• પાક. ચાંચિયાઓ દ્વારા ૬૦ માછીમારોનું અપહરણઃ પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા ભારતીય બોટો અને માછીમારોના અપહરણનો સિલસિલો યથાવત્ છે. તાજેતરમાં બે અલગ અલગ બનાવોમાં ૬૦ માછીમારો સહિતની ૧૦ બોટોના અપહરણ પાકિસ્તાની ચાંચિયાઓ દ્વારા કરાતાં માછીમાર સમાજમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. બોટો અને માછીમારોને છોડાવવા અંગે ભારત સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
• પોલિયોમાં પગ ગુમાવનાર કલા કારીગરીમાં માહેરઃ માળિયા મિંયાણાના વેજલપર ગામમાં રહેતા કોકાભાઈ દસાડિયા આઠ વર્ષના હતા ત્યારે પોલિયોની બીમારીએ તેમના બંને પગ છીનવી લીધાં. તેમના પિતા ઈશ્વરભાઈએ અનેક દવાખાનામાં સારવાર કરાવી છતાં કોકાભાઈ દોડતા ન થયા. કોકાભાઈ અત્યારે અપંગ હોવા છતાં તમામ વાહનો સરળતાથી ચલાવી શકે છે તેમજ તેઓ હસ્તકળામાં માહેર છે. તેઓ બાઈકને હાથથી કીક મારી ચાલુ કરે છે અને સાઈકલ ઘોડીથી ચલાવે છે. મિસ્ત્રી કામ અને મિકેનિકલ કામમાં તેઓ ખૂબ જ સારું જ્ઞાન ધરાવે છે. તેઓ સારા તબલચી છે. તેઓ પહેલાં સિરામિક કારખાનામાં કામ કરી ચૂક્યા છે. અપંગ કોકાભાઈને ઘણા એવોર્ડ પણ મળી ચૂક્યા છે.