• જીવતા સળગાવેલા યુવાનનો મૃતદેહ પરિવારે સ્વીકાર્યોઃ આંબલિયાળા ગામનો યુવાન ભરત ગોહેલ તેની કાર લઈને વેરાવળથી તેના ઘરે જતો હતો ત્યારે ચાર માણસોએ તેને આંતરીને તેના પર હુમલો કરીને તેને જીવતો સળગાવી દીધો હતો. પૈસાની લેતીદેતી સહિતના પ્રશ્ને વેરાવળના સોમનાથ રોડ પરની આહિર સમાજની વાડી પાસે ૨૩મી ફેબ્રુઆરીએ જીવતા સળગાવાયેલા યુવાન ભારત ઉકાભાઈ ગોહેલનું છ દિવસની સારવાર અંતે પહેલી માર્ચે રાજકોટની હોસ્પિટલમાં મૃત્યુ થતાં તેના પરિજનોએ રોષ ઠાલવ્યો હતો કે, જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારીશું નહીં. પરિવારે આ અંગે દલિત આગેવાન ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને પણ જાણ કરી હતી. દરમિયાન, આ કેસના મુખ્ય આરોપી દેવાયત જોટવાને બીજી માર્ચે મુંબઈ ખાનીવડે ટોલનાકા પાસેથી પોલીસે પકડી લીધો હતો. એ પછી ભરતની પત્નીએ નોકરી, ઘર સહિતની સુવિધાઓ તેને પૂરી પડાશે તો જ મૃતદેહનો સ્વીકાર કરશે તેવી માગ તંત્ર પાસે કરતાં કલેક્ટરે શક્ય માગ સ્વીકારવાની ખાતરી આપતાં પરિવારે યુવાનનો મૃતદેહ સ્વીકાર્યો હતો. પોલીસ બંદોબસ્ત હેઠળ બીજીએ ભરતના મૃતદેહને આંબલિયાળા ગામે લઈ જવાયો અને ત્રીજી માર્ચે તેની અંતિમવિધિ કરાઈ હતી.
• હજારો જૈન શ્રાવકોએ છ ગાઉની યાત્રા કરીઃ પાલિતાણામાં શૈત્રુંજયની ફાગણ સુદ-૧૩ની છ ગાઉની મહાયાત્રામાં જૈન-જૈનેતર ભાવિકજનો ૨૭મી ફેબ્રુઆરીએ મોટી સંખ્યામાં જોડાયા હતા. જૈનોમાં અતિ મહત્ત્વની ગણાતી ફાગણસુદ તેરસની મહાયાત્રા અને આદપુરમાં ભરાયેલા ઢેબરિયા મેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો અને ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક શત્રુંજય તીર્થની છ ગાઉની મહાયાત્રા પૂર્ણ પણ કરી હતી.
• વડવાળા ધામનાં પ્રાગટ્ય દિને ભક્તોની હેલીઃ દૂધરેજમાં અંદાજે ૪૫૦ વર્ષ પહેલા સમરથ સદગુરુ સષ્ટપ્રજ્ઞદાસજી ફાગણસુદ ચૌદસની મધરાતે આશ્રમમાં આવ્યા હતા. ધુળેટીના દિવસે તે વડની નીચે સષ્ટ પ્રજ્ઞદાસજીએ રામ, કૃષ્ણ અને ભગવાન શિવજીની સ્થાપના કરી હતી. તે દિવસે માલધારીઓએ બાવનગજની ધજા ચડાવી ઇષ્ટદેવ વડવાળા દેવની પણ સ્થાપના કરી હતી. તે આજે દૂધરેજ વડવાળા ધામ તરીકે વિશ્વમાં જાણીતું છે. તે સમયથી અત્યાર સુધી વડવાળા ધામનલ પ્રાગટ્ય દિવસ મનાવવામાં આવે છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી માલધારીઓ ઊમટી પડે છે. આ વર્ષે ૯૦ હજારથી વધુ માલધારીઓ આા ધામમાં આવ્યાં હતાં.
• હોળીની પૂર્વ રાત્રે અકસ્માતમાં ચારનાં મૃત્યુઃ પોરબંદરના પોરાઈમાં ગૌશાળાની પશુઓ માટેની એમ્બ્યુલન્સ પહેલી માર્ચે રાત્રે પોલિટેકનિક કોલેજ નજીક પેટ્રોલ પંપની સામે ડિવાઈડર સાથે અથડાતાં ડિવાઈડર પાસેની રેલીંગ પાસે બેઠેલાં ચાર યુવાનો કરણ હાથીયાભાઈ ઓડેદરા (૧૭), તેના મિત્રો ઋત્વિક પ્રદ્યુમનભાઈ મકવાણા (૧૮), રાજા વેજાભાઈ ઓડેદરા (૨૧) અને વિવેક લખુભાઈ ગોઢાણિયા (૨૦)ના મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે છ તરુણને ઈજા થઈ હતી.
• અર્થશાસ્ત્રના અભ્યાસુ પ્રો. આર. સી. પોપટનું અવસાનઃ ઇકોનોમી ક્ષેત્રના અભ્યાસુ અને રાજકોટ પી. ડી. એમ. કોલેજના નિવૃત્ત પ્રો. આર. સી. પોપટ (રતિલાલ છગનલાલ પોપટ) (ઉ. વ. ૮૦) નું પહેલી માર્ચે અવસાન થયું હતું. દીર્ઘ સમય સુધી પી. ડી. એમ. કોલેજમાં હેડ ઓફ ધ ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટમાં સેવા આપી ચૂક્યા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિ. માં ચાર ટર્મ સુધી સેનેટ મેમ્બર પણ રજૂ ચૂક્યા છે.
• જૂનાગઢના પૂર્વ મેયર જીતુભાઈ હિરપરાનું મૃત્યુઃ જુનાગઢ ભાજપના નેતા અને પૂર્વ મેયર જીતુભાઇ હિરપરાનું ૨૭મીએ સવારે અકસ્માતમાં મોત નીપજતા જુનાગઢ પંથક ઘેરો શોક છવાયો હતો. પોતાના ફાર્મ હાઉસથી આવતાં હિરપરાની કામને પરોઢિયે ટ્રકે ભેંસાણના ડેરવાણ પાસે અડફેટે લેતાં દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં જીતુભાઇનું મોત નિપજ્યું જ્યારે તેમનાં પત્ની ગંભીર રીતે ઘાયલ થતાં પ્રથમ જૂનાગઢ અને ત્યારબાદ રાજકોટ સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પૂર્વ મેયર જીતુભાઈ હિરપરાની અંતિમયાત્રા નીકળતા મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, સંગઠનના ભીખુભાઈ દલસાણીયા સહિત આગેવાનો, કાર્યકરો, વિવિધ સમાજના અગ્રણીઓ જોડાયા હતા.