માધવપુરના મેળામાં વડા પ્રધાન મહેમાનઃ પોરબંદર તાલુકાના માધવપુરમાં યોજાનારા મેળામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત સાત રાજ્યોના મુખ્ય પ્રધાન અને રાજ્યપાલ ઉપસ્થિત રહેશે. લોકમેળાની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે ત્યારે ૨ અધિક કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટરની પ્રોટોકોલ માટે નિમણૂક કરાઈ છે. મેળાની સાઈડ ઉપર પાંચ અને બીચ ઉપર ત્રણ સબ સ્ટેશન પણ બનાવાશે.
જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેસરકેરીની આવકનો પ્રારંભઃ માર્કેટ યાર્ડમાં આ સિઝનમાં પ્રથમ વખત કેસર કેરીની આવકનો પ્રારંભ માર્ચના મધ્યથી થયો હતો. પ્રથમ દિવસે ૨૧ બોક્સ આવ્યા અને ૧૦ કિલોના એક બોક્સના ૧૨૦૦થી ૧૫૦૦ રૂપિયા લેખે હરાજી થઈ હતી. આગામી સમયમાં જેમ ગરમી વધશે તેમ કેરીની આવકમાં વધારો થશે. ઉનાળાનું અમૃતફળ ગણાતી કેરીની સિઝન ધીમે ધીમે શરૂ થઈ ગઈ છે. હાલ દેસી તેમજ તોતા જાતની કેરી આવવા લાગી છે. પરંતુ ૧૬મીથી ગીરની પ્રખ્યાત કેસર કેરીની પણ આવકનો પ્રારંભ થયો છે. આ સિઝનના પ્રથમ કેસર કેરીના ૨૧ જેટલા બોક્સ માર્કેટ યાર્ડમાં આવ્યા હતા અને દસ કિલોના એક એવા આ બોક્સની ૧૨૦૦થી ૧૫૦૦ રૂપિયા લેખે હરાજી થઈ હતી. આ કેરી તાલાળા પંથકના આગોતરા આંબાની હોવાનું જાણવા મળ્યું હતું. સામાન્ય રીતે દર વર્ષે ૧૫ માર્ચ બાદ છુટીછવાઈ કેસર કેરીની આવક થવા લાગે છે. માર્ચ માસ પૂર્ણ થતાં એપ્રિલમાં થોડી આવક વધશે અને એપ્રિલના અંત તેમજ મે માસના પ્રારંભમાં મોટા પ્રમાણમાં કેરી આવશે.
જહાજમાં ગેસ ગળતરથી બેનાં મોતઃ અલંગ સોસિયા શીપ બ્રેકિંગ યાર્ડના શિપ બ્રેકર મનીષ બંસલની માલિકીના પ્લોટ નંબર ૩૨માં ગત ૨૨ ફેબ્રુઆરીએ કટીંગ માટે એમ. વી. હોરમોવીયા સપ્લાયર ટગ તોડવા માટે આવેલું હતું. અડધા જેટલા ભાંગી ગયેલા જહાજ પર કામ કરતા પ્લોટના સુપરવાઇઝર અને મુકાદમ બલરામ ધુરીયા અને રામનયન રાજમલ ફ્યુઅલ ટેન્ક ચેક કરવા ટેન્કમાં ઉતર્યા હતા. જ્યાં ગેસ ગળતરના કારણે ગુંગળાઈ જવાથી બન્નેના મૃત્યુ થયા હતા. ફ્યુઅલ ટેન્કમાં પાણી પણ ભરાયેલું હતું.
પંચાસરમાં આધેડની હત્યાઃ પંચાસરના સહદેવસિંહ ઝાલા (ઉ.વ. ૪૭) ૧૯મીએ બપોરે ગામની સીમમાં આવેલા તેમના ખેતરે હતા ત્યારે મોરબી જિલ્લા ભાજપના આગેવાન નરેન્દ્રસિંહ નાથુભા ઝાલા, તેનો ભાઇ વિક્રમસિંહ તથા સંબંધી રાજ મહેન્દ્રસિંહ ઝાલા, સહદેવસિંહ લાલુભા, અરવિંદસિંહ નટુભા ઝાલા અને હિતેશ લાલુભા ઝાલા ધસી આવ્યા હતાં. રાજ ઝાલાએ સહદેવસિંહનો કાંઠલો પકડીને પડખામાં ગોળીમારી દીધી હતી. આ સમયે સહેદવસિંહનાં પત્ની રસિકબા અને ભત્રીજો પરાક્રમસિંહ ખુમાનસિંહ ઝાલા વચ્ચે પડતાં તેના પર ગોળીબાર કરીને હુમલો કરાયો હતો. જમીનના ડખા બાબતે પડખામાં ગોળી મારવામાં આવતા ગંભીર રીતે ઘવાયેલા સહદેવસિંહને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યારે ગોળીબાર અને હુમલામાં ઘવાયેલા રસિકબા અને પરાક્રમસિંહ વધુ સારવાર માટે હોસ્પિટલમાં છે.