• પોલીસમથક બહાર યુવાને ખુદને આગ ચાંપીઃ માલવિયાનગર પોલીસ મથકની બહાર ૧૧મી એપ્રિલે બપોરે મૂળ ઉતર પ્રદેશના સંતકબીરનગર જિલ્લાના અને કેટલાક દિવસથી રાજકોટ આવેલા અભિષેક ભૂલનરાય (ઉ. ૩૭) જ્વલનશીલ પ્રવાહી છાંટી પોતાને આગ ચાંપતા પોલીસ અને રાહદારીઓએ દોડાદોડ કરી મૂકી હતી. અંતે યુવાનને સિવિલમાં ખસેડાયો હતો. તે નશામાં ધૂત બની સળગ્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જો કે તેણે આ પગલું ક્યા કારણથી ભર્યું તે વિશે કોઈ માહિતી મળી નથી.
• રાજકોટના ૧૦ કોન્સ્ટેબલ્સને ૧૭ લાખનો દંડઃ પોલીસના કોન્સ્ટેબલ કક્ષાના ૧૦ તપાસનીશ કર્મચારીને કામમાં લાલિયાવાડી બદલ રાજકોટના ડીસીપી કરણરાજ વાઘેલાએ બારમી એપ્રિલે મામૂલી દંડથી લઇને બેઝિક પગાર સુધીના આશરે કુલ રૂ. ૧૭ લાખથી વધુનો દંડ તાજેતરમાં ફટકાર્યો હોવાની શો કોઝ નોટિસ ફટકારતા પોલીસ કોન્સ્ટેબલોમાં ફફડાટ પ્રસર્યો છે. દરેકને ૧૦ દિવસમાં જવાબ રજૂ કરવા દરેકને જણાવાયું છે. વિવિધ ઘટનાની તપાસમાં ચાર્જશીટમાં મોડું કરનારાઓ અને સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ પગલાં ન ભરનારા કર્મચારીઓને નોટિસ ફટકારાઈ છે.
• આજીડેમમાં નહાવા પડેલા બે મિત્રોનાં મોતઃ રાજકોટના ગૌતમનગરમાં રહેતા બે મિત્રો હીરેન જીતેન્દ્રભાઈ પરમાર અને જતીન અરવિંદભાઈ જીતિયા સાતમી એપ્રિલે આજી ડેમમાં નહાવા પડ્યા હતા. બંને પાણીમાં ગરક થતા ગયા અને ડૂબી જવાથી બંનેના મૃત્યુ નીપજ્યા હતાં. પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
• ગેસ લીકથી ૨૦૦ની આંખને અસરઃ પાલિતાણા તાલુકાના રોહિશાળામાં ધાર્મિક પ્રસંગ પછી ૧૩મી એપ્રિલે પરોઢિયે ચાઇનીઝ હેલોઝન લાઇટમાંથી ગેસ પ્રસરતાં ૨૦૦ લોકોની આંખને અસર થઈ હતી. નાનકડા ગામમાં મોટી સંખ્યામાં લોકોને આંખમાં અસર પહોંચતા ચાર એમ્બ્યુલન્સ અને અન્ય વાહનો દ્વારા પાલિતાણા સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં તેઓને સમયસર સારવાર મળી જતા આંખને નુકસાન થતું અટકાવી શકાયું હતું.
• આજીડેમમાં ડૂબવાથી પ્રેમીપંખીડાના મૃત્યુઃ ભાવનગર રોડ પરના મયૂરનગરમાં રહેતા કોળી યુવાન સાગર નરસી બારૈયા અને તેમની સ્ત્રીમિત્ર છાયાબહેન વલ્લભભાઈ ચૌહાણ ૧૪મી એપ્રિલે આજીડેમમાં નહાવા ગયા હતા. ડેમમાં ડૂબી જવાથી બંનેના મૃત્યુ નીપજ્યાં હતાં.