• સણોસરાની જિનિંગ મિલમાં આગઃ ધ્રોળ તાલુકાના સણોસરા ગામ પાસે આવેલી જિનિંગ મિલમાં ૨૮મી એપ્રિલે સવારે ૧૧ વાગ્યાના સુમારે આગ લાગી હતી. ધ્રોલ, જામનગર અને રાજકોટના ફાયર બ્રિગેડના સ્ટાફે સતત મહેનત કરીને ૬ કલાકમાં આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં રૂ. ૩.૫૦ કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.
• ટ્રેક્ટર પલટી ખાતાં પિતા-પુત્રના મૃત્યુઃ જેતપુર નજીક જેપુર ગામના રમેશભાઈ ચાવડા (ઉ.૪૦) અને તેમનો પુત્ર તુષાર ૨૯મી એપ્રિલે સાંજે ટ્રેક્ટરમાં ગામની સીમમાં આવેલી વાડીએ જઈ રહ્યા હતા. ત્યારે એકાએક ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું. ગંભીર રીતે ઘવાયેલા પિતા પુત્રના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા.
• તળાવમાં ડૂબી જતાં ત્રણ વિદ્યાર્થીનાં મૃત્યુઃ સુરેન્દ્રનગર રોડ પર આવેલા બોડા તળાવમાં ડૂબી જવાથી પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થી મૂળીના સડલા ગામના ૧૬ વર્ષના સચિન નવીનભાઈ શુકલ, અમદાવાદના ઓઢવના ૧૭ વર્ષના દીપ દશરથભાઈ પ્રજાપતિ અને ન્યૂ નરોડાના યોગેશ પ્રકાશભાઈ પ્રજાપતિનાં ૨૯મી એપ્રિલે મૃત્યુ નીપજ્યાં હતા. આ ત્રણેય વિદ્યાર્થીઓ વઢવાણની એમ. પી. શાહ પોલિટેકનિક કોલેજની સરકારી હોસ્ટેલમાં રહીને ડિપ્લોમા ઈજનેરીના બીજા વર્ષમાં અભ્યાસ કરતા હતા.
• રાજકોટ ચેમ્બરના પૂર્વ પ્રમુખ સામે ફરિયાદઃ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ સમીર શાહ સામે તાજેતરમાં ગોલમાલની વધુ એક ફરિયાદ કરવામાં આવી છે. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાના પુત્ર ભવદીપ પાસેથી બળજબરીથી રૂ. ૪૩ લાખ પડાવવાનો કારસો કરવા અંગે સમીર શાહ, તેના ભાઈ શ્યામ શાહ અને અમરેલીની રાજલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝના પ્રોપરાઇટર પરબત ઝવેરભાઈ રાજોડિયા સામે ફરિયાદ થઈ છે.
• ગોંડલ પાસે માર્ગ અકસ્માતમાં ત્રણનાં મૃત્યુઃ ગોંડલથી ઘોઘાવદર જતા રોડ પર ધારેશ્વર ચોકડી પાસે તાજેતરમાં બપોરે બાર વાગ્યે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ઘોઘાવદરના બાઈક પર સવાર ત્રણ યુવાનો સાગર બાબુભાઈ સોરિયા (ઉં. વ. ૨૨), નિર્મળ ધીરુભાઈ વાઘેલા (ઉ. વ. ૧૭) તેમજ મિલન શિવાભાઈ જેઠવા (ઉ.વ. ૧૬)ના મૃત્યુ થયાં હતા. કારમાં બેઠેલા બે જણાને ગંભીર ઇજા થઈ હોવાથી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ કેસમાં વધુ તપાસ આદરીને ઘટના અંગે યોગ્ય રિપોર્ટ તૈયાર કરવા કમર કસી છે.