• વીજકરંટ લાગવાથી ૫ શ્રમિકોનાં મોતઃ વડિયા તાલુકાના ભાયાવદરમાં નવમી મેથી ૧૭મી મે સુધી મકનબાપાની જગ્યાએ ગીરીબાપુની શિવકથા પૂર્ણ થઈ હતી. વહેલી સવારે મંડપ કાઢવાનું કામ ચાલતું હતું ત્યારે વીજકરંટ લાગતાં પાંચ શ્રમિકો બળવંત કડિયા (ઉ. ૪૦), જસવંત અરવિંદ (ઉ. ૧૯), કિરણ બારૈયા (ઉ. ૨૦), રાજેશ રાયજી (ઉ. ૨૨), મયુર ઉરવર્જાન (ઉ. ૨૫)નાં મૃત્યુ થયાં હતાં.
• ધોળકા-વટામણ માર્ગ ફોરલેન થશેઃ ધોળકા-વટામણ હયાત માર્ગને રૂ. ૫૦ કરોડના ખર્ચ ચાર માર્ગીય બનાવાશે. હાલમાં આ માર્ગ ૭ મીટર પહોળો છે. તે વધુ ત્રણ મીટર સાથે કુલ ૧૦ મીટર પહોળો થતાં વાહન વ્યવહાર વધુ સુગમ બનશે અને સંભવિત અકસ્માતની દુર્ઘટના નિવારશે. ધોળકા વટાવણ હયાત ૨૩ ચો.મી. માર્ગને ચારરસ્તીય માર્ગ બનાવવાના કામની ખાતમુહૂર્ત વિધિ ૨૦મી મેએ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે રાજ્ય પ્રધાન મનસુખભાઈ માંડવિયા અને રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી હતી.
• વજુભાઈ વાળાના નિવાસ પાસે ઉગ્ર દેખાવોઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપને બહુમતિ ન મળી છતાં યેદુરપ્પાને મુખ્ય પ્રધાન પદના શપથ લેવા માટે આમંત્રણ આપવાના અને બહુમતી માટે પંદર દિવસનો સમય આપવાના કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાના નિર્ણય સામે ૧૮મી મેએ વજુભાઈ વાળાના ઘર સામે કોંગ્રેસ દ્વારા દેખાવ થયા હતા તેમાં ૪૦ કાર્યકરોની અટકાયત કરાયા બાદ તેમને જામીન મુક્ત કરાયા હતા.