• વાડીમાં પ્રૌઢની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યાઃ નાની મોણપરી ગામે રહેતા અને ખેતી તથા એસ્ટેટ બ્રોકરનું કામ કરતાં મનસુખ સવજી રાખોલિયા (ઉ. વ. ૫૦) ૨૩મીએ પોતાની વાડીએ ગયા હતા. રાત્રીના દસ વાગ્યા પછી તેમનો મોબાઈલ ફોન બંધ આવવા લાગ્યો હતો. સવારે મનસુખભાઈના પિતા સવજીભાઈ વાડીએ જઈને ઓરડીમાં જોતાં પોતાના પુત્રનો લોહી નીંગળતો મૃતદેહ જોવા મળ્યો અને તેઓ ભાંગી પડ્યા હતા. આસપાસના વાડીવાળાઓએ પોલીસને જાણ કરતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. કેટલાક માણસોએ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કર્યાનું ખૂલ્યું હતું.
• પુત્રીની સગાઈના આગલા દિવસે જ આધેડની હત્યાઃ યુનિવર્સિટી રોડ પરના રવિરત્ન પાર્કમાં પુત્રીની સગાઈના આગલા દિવસે ૨૩મીએ જ આધેડની હત્યા કરવામાં આવી હતી. મૃતક હરેશભાઈ મકવાણાને સંતાનમાં બે પુત્રી છે. જેમાં એક પુત્રીના લગ્ન થઈ ગયા છે અને નાની પુત્રી જાનકીની ૨૪મીએ સગાઈ હતી. સગાઈના આગલા દિવસે ૨૩મીએ રવિરત્ન પાર્કમાંથી હરેશભાઈ મકવાણા બાઈક પર સવાર હતા તે વખતે એક વાહનચાલકે વાહન અથડાવીને અકસ્માતના બહાને ઝઘડો કરીને હરેશભાઈ પર છરીના ઘા ઝીંકી દીધા હતા. આ ઘટનામાં હરેશભાઈનું મૃત્યુ થયું હતું. આ કેસમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શંકાના દાયરામાં રહેલા ફિરોઝ નામના માણસની શોધખોળ આદરી છે.