સંક્ષિપ્ત સમાચાર (સૌરાષ્ટ્ર)

Wednesday 27th November 2019 05:38 EST
 

પાંચ માસથી ફરાર હત્યાના આરોપીની ધરપકડ

ભાવનગરઃ સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ ટાસ્ક પોલીસે બાતમીની મદદથી તાજેતરમાં હત્યાના ગુનામાં ફરાર આરોપી અમીત ઉર્ફે અક્ષય દલપતભાઇ મકવાણાની ધરપકડ કરી હતી. ભાવનગરના મકરવાસમાં આવેલી કૃષ્ણ સોસાયટીના રહેવાસી અક્ષય મકવાણા સામે બોર તળાવ પોલીસ સ્ટેશનમાં અગાઉ હત્યાનો ગુનો નોંધાયો હતો. રાજકોટ મધ્યસ્થ જેલમાં અક્ષય આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. કોર્ટ દ્વારા મંજૂર જામીનના દિવસો પૂરા થયા છતાં આરોપી હાજર ન થતાં છેલ્લા પાંચ માસથી નાસતો ફરતો હતો. જેને એસઓજી દ્વારા ઝડપીને રાજકોટ જેલમાં સોંપાયો હતો.
સાવરકુંડલા પાસે કાર પલટી જતાં બે સગા ભાઇના મૃત્યુ
સાવરકુંડલાઃ જેસર રોડ પર સહયોગ સોસાયટીમાં રહેતાં નાનજીભાઇ ડાભીના ત્રણ પુત્ર અને તેના બે મિત્ર કારમાં ભગુડા માતાજીના દર્શન કરવા ગયા હતાં. ત્યાંથી કારમાં પરત આવી રહ્યા હતા. તે સમયે જેસર રોડ પરના ગેટ પાસે કાર ડિવાઇડર સાથે અથડાઇને ત્રણ પલટી ખાઈ ગઈ હતી. ૨૪ વર્ષના નવીનભાઇ નાનજીભાઇ ડાભી અને ૨૬ વર્ષના તેના મોટાભાઇ હરેશનાં મૃત્યુ થયાં હતાં. આ ઘટનામાં ત્રણને ઈજા થઈ હતી.

૧૦૮ એમ્બ્યુલન્સ રસ્તે રોકીને મહિલાની પ્રસૂતિ

પોરબંદરઃ શીશલી ગામમાં રહેતા ડાઈબહેન દેવાભાઇને ૨૨મી નવેમ્બરની સાંજે અચાનક પ્રસૂતિની પીડા ઉપડી હતી. તેથી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનો સંપર્ક કરતાં અડવાણા ગામના ૧૦૮ના કર્મીઓ તાત્કાલિક શીશલી પહોંપ્યા હતા. પ્રસૂતાને અડવાણાની હોસ્પિટલે લઇ જવાતા હતા ત્યારે વધુ દુઃખાવો ઉપડતાં તેને રસ્તામાં જ પ્રસૂતિ કરાવવાની ફરજ પડી હતી. ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાના ઇએમટી હિરેન નંદાણી અને પાયલટ રામભાઇ કારાવરદાએ સોઢાણા ગામના માર્ગ પર જ સફળ પ્રસૂતિનો નિર્ણય લીધો હતો. બાળકને ગરદન ફરતે નાળ વિંટળાયેલી હતી જોકે માતા અને પુત્રી બંનેનો જીવ બચી ગયો હતો. પ્રસૂતિ બાદ માતા અને પુત્રીને હોસ્પિટલમાં ખસેડાયા હતા.

માતા-પુત્ર કૂવામાં પડ્યાંઃ બાળકનો મૃતદેહ ૧૦ કલાકે કઢાયો

જામનગરઃ સુવરડા ગામે સોમવારે વહેલી સવારે તળાવની કાંઠે વાડી વિસ્તારમાં આવેલા ૧૨૫ ફૂટ ઊંડા અને ૧૧૫ ફૂટ પાણીથી ભરેલા કૂવામાં ગામનાં જ રસીલાબહેન બાલેશભાઇ છૈયા (ઉ. વ. ૨૭) અને તેનો સાડા ત્રણ વર્ષનો પુત્ર શિવમ પડી ગયાં હતાં. આ ઘટનામાં કૂવામાં મોટરનો નળો પકડી લેતાં માતાનો બચાવ થયો હતો, પરંતુ પુત્રનું મોત નિપજયું હતું. માતાને બેભાન હાલતમાં સારવાર અર્થે જી. જી. હોસ્પિટલમાં ખસેડાઇ હતી. બીજી બાજુ સવારે ૯.૦૦ વાગ્યે બનાવની જાણ થતાં જામનગર મ્યુનિસિપાલિટીની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બાળકનાં મૃતદેહને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી, પરંતુ કૂવામાં ઉતરીને બાળકનાં શબને શોધવામાં નિષ્ફળતા મળતાં પાણીમાં કેમેરો નાંખીને બાળકનાં મૃતદેહને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. કેમેરામાં બાળકનો મૃતદેહ દેખાયો, પરંતુ કૂવામાં ઘણું પાણી હોવાથી દોરડાથી બાળકનાં મૃતદેહને બહાર કાઢવામાં સાંજ સુધી સફળતા મળી નહોતી. રાત્રે કૂવા પર લાઇટો ગોઠવીને તરવૈયાઓએ રાત્રે આઠ વાગ્યે દોરડાથી બાળકનાં મૃતદેહને બહાર કાઢ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter