સંક્ષિપ્ત સમાચાર (સૌરાષ્ટ્ર)

Wednesday 19th April 2017 08:32 EDT
 

• રાજુલા નજીક રસ્તા પર એકસાથે ૧૨ સિંહઃ પીપાવાવ પોર્ટના રસ્તે ૧૬મીએ રસ્તા પર એક સાથે ૧૨ સિંહનું ટોળું દેખાતાં વાહનો થંભી ગયા હતા. આ અંગે તરત વનવિભાગને જાણ કરાઈ હતી. પીપાવાવ પોર્ટના ફોર-વે રસ્તા પર એકસાથે ૭ સિંહોનું ટોળું આવી ચડ્યું હતું. આ સિંહો પૈકી એક સિંહે રસ્તો ક્રોસ કરવા માટે ઈશારો કરતાં જ રસ્તાની સાઈડમાંથી બીજા પાંચ રસ્તા પર જોવા મળ્યા હતા. એક સાથે ૧૨ સિંહને જોવા હાઈવે ઉપર પસાર થતા વાહનો પણ થોડીવાર થંભી ગયા હતા.

• રાજકોટ કોર્ટમાં હાજર રહેવા મુખ્ય પ્રધાનને સમન્સઃ રાજકોટની જ્યુડિશયલ કોર્ટે વર્ષ ૧૯૯૭ના કેસમાં વર્તમાન મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને ૧૯ એપ્રિલે સાક્ષી તરીકે હાજર રહેવા માટે સમન્સ કાઢ્યું છે. ૧૯૯૭માં રાધનપુરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજપા અને ભાજપ વચ્ચે હિંસક ટકરાવ થયો હતો. આ ઘટનામાં વિજય રૂપાણીના નિવાસસ્થાન ઉપર પથ્થરમારો થયો હતો. આ બાબતે વિજયભાઈએ કશ્યપ શુકલ, વિજય ચૌહાણ વગેરે સામે ફરિયાદ નોંધાવી હતી. જે અંગેના કેસની સુનાવણી વખતે આરોપીઓ હાજર રહ્યા હતા. જોકે, ફરિયાદી વિજય રૂપાણી હાજર રહ્યા ન હતા. તેથી જ્યુડિશ્યલ કોર્ટે વિજય રૂપાણી સામે ૧૯ એપ્રિલનું સમન્સ કાઢ્યું છે.

• પાક. દ્વારા મુક્ત ૬૨ માછીમારો વતન ભણીઃ પાકિસ્તાની મરિન સિક્યુરિટી એજન્સી દ્વારા ભારતીય બોટ અને માછીમારોના છાશવારે અપહરણ કરી જવાય છે, પરંતુ તાજેતરમાં પાકિસ્તાન મરિનના જવાનો માછીમારોનું અપહરણ કરીને લઈ જવાની તૈયારીમાં હતી ત્યારે પાક. મરિન બોટ પલટી જતાં તેમાં બેસેલા ૧૨ જવાનો ડૂબવા લાગ્યા હતા. એ સમયે ભારતીય માછીમારોએ પાંચ પાક. જવાનોને બચાવ્યા હતા અને બેનાં શબ ભારતીય કોસ્ટગાર્ડ વિભાગે પાકિસ્તાનને સોંપ્યા હતા. આ ઘટનાએ પગલે પાકિસ્તાનનું હૃદય પરિવર્તન થયું હોય તેમ ભારતની ૭ બોટ અને ૬૨ માછીમારોને પાકિસ્તાને મુક્ત કરી દીધાં હતા અને આ માછીમારો ૧૨મીએ પોરબંદરના ઓલવેધર પોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા.

• સરસિયા રેન્જમાં આગથી વન્ય સૃષ્ટિને નુક્સાનઃ ધારી તાલુકાના સરસિયા વિસ્તારમાં આવેલા કરમદડી રાઉન્ડમાં અચાનક ભભૂકી ઉઠેલી આગના કારણે વન તંત્ર દોડતું થઇ ગયું હતું અને ૧૬મીએ મોડી રાતે મોટા ભાગની આગ કાબૂમાં આવે તે પહેલાં ૧૭૮ હેક્ટર વિસ્તારમાં વન્ય સૃષ્ટિ નાશ પામી હતી. આ આગથી રોણિયો ડુંગર, જાબ અને દોંઢી સહિતના વિસ્તારોમાં નુક્સાન થયું હતું.

• નાગેશ્રીમાં ગેરકાયદે રાત્રિ સિંહદર્શનથી સ્થાનિકો નારાજઃ જાફરાબાદ તાલુકાના નાગેશ્રી વિસ્તારમાં રાતના સમયમાં ગેરકાયદે સિંહદર્શનની સ્થાનિકોની ફરિયાદ છે. સ્થાનિકોનું કહેવું છે કે, રાત્રિ સિંહદર્શનના કારણે વન્ય પશુઓને તો પરેશાનીનો ભોગ બનવું જ પડે છે સાથે સાથે આ વિસ્તારની પ્રજા પણ આડકતરી રીતે આ પ્રવૃત્તિથી પરેશાન થાય છે. રાતભર લાઈટથી ત્રાસ ભોગવનારા વન્ય પ્રાણીઓ સિંહ, સિંહણ અને દીપડા દિવસે જે સામું મળે તેના પર હુમલા કરે છે અને સ્થાનિક પ્રજા વન્ય પ્રાણીઓના રોષનો ભોગ બને છે. ગેરકાયદે સિંહદર્શનમાં વનતંત્ર પણ સંડોવાયું હોવાના આક્ષેપ કરાયા છે.  નાગેશ્રી ગામની સીમની આજુબાજુમાં ૩૪થી વધારે સિંહ, સિંહણ, તેનાં બચ્ચા અને દીપડાનો વસવાટ છે. 

• જૂનાગઢના બે બિલ્ડરોને ત્યાં વેટના દરોડાઃ જૂનાગઢના બે નામાંકિત બિલ્ડરો દ્વારા વેટચોરી થતી હોવાની ફરિયાદના આધારે જૂનાગઢ વેટ વિભાગના અધિકારીઓએ ૧૬મી એપ્રિલે આ બિલ્ડરોને ત્યાં તપાસ હાથ ધરી હતી. રાતભર ચાલેલી તપાસમાં એક હાઇરાઇઝ બિલ્ડીંગના બિલ્ડરને ત્યાંથી અંદાજે રૂ. સવા કરોડ જેવી વેટચોરી પકડાઈ હતી. આ બિલ્ડરે મોટાપાયે વેટચોરી કર્યાના દસ્તાવેજી આધારો મળી આવતાં વેટ અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત અન્ય એક બિલ્ડરની પણ પૂછપરછ જારી છે.
• સાડીના કારખાનમાં ભીષણ આગથી કરોડોનું નુક્સાનઃ જેતપુરના રબારીકા ગામ નજીક આવેલા એક સાડી બનાવવાના એકમનાં ગોડાઉનમાં પડેલા સફેદ કાપડની ગાંસડીઓમાં ૧૬મીએ અચાનક આગ ફાટી નીકળી હતી. જેતપુર, ધોરાજી, ઉપલેટા, ગોંડલના ફાયર ફાઇટરોની મદદથી સાત કલાકની જહેમત બાદ આ વિકરાળ આગ કાબૂમાં આવી હતી અને સાડીના પ્રોસેસર્સ હાઉસની તમામ મશીનરી બળીને ખાક થઈ જતાં એકમને કરોડો રૂપિયાની નુકસાની થયાની ભીતિ વર્તાઈ રહી છે.
• ગરમીના કારણે કેસર કેરીમાં ચાંદાઃ ચાલુ વર્ષે કેસર કેરીનો ફાલ ચાર તબક્કામાં આવ્યો હતો. તેમજ વાતાવરણ અનુકુળ હોવાનાં કારણે ખેડૂતોને સારા ઉત્પાદનની આશા હતી. સોરઠમાં છેલ્લા પાંચ દિવસથી સતત ગરમી પડતાં તેની આશા પર પાણી ફરી વળ્યું છે. ગરમીનાં પરિણામે બાગાયતી પાકને સીધી અસર થઇ છે. કેસર કેરીનો પાક તૈયાર થઇ રહ્યાં છે ત્યારે અચાનક ગરમી પડતા કેરીમાં ચાંદા પડી રહ્યાં છે. જે કેરીમાં ચાંદા પડે તે કેરી બીજા દિવસે ખરી પડે છે. કેરી ખરવાથી ખેડૂતોને નુકશાન થઇ રહ્યું છે. જોકે મોટા ભાગનાં બગીચાનાં ઇજારા આપી દેવાયા હોઈ વેપારીઓને નુક્સાની વેઠવાનો સમય આવ્યો છે.
• સ્વાઇન ફ્લુથી ચાર દિવસમાં ચાર મૃત્યુઃ સામાન્ય રીતે શિયાળામાં સ્વાઇન ફ્લુ વકરતો હોય છે અને ગરમી વધે તેમ તેમ સ્વાઇન ફ્લુ ઓછો થતો જાય છે પણ આ વખતે બળબળતો ઉનાળો ચાલુ છે છતાં સ્વાઈન ફ્લુ ઓછો થયો નથી. છેલ્લા ચાર દિવસમાં રાજકોટની હોસ્પિટલમાં દાખલ થનારા ચાર દર્દીઓના મૃત્યુ થયા છે. ૧૦મી એપ્રિલે જામકંડોરણા પંથકની ૪૫ વર્ષની મહિલા અને સાવરકુંડલાની ૩૨ વર્ષની યુવતીનું મૃત્યુ થયું હતું જ્યારે ૧૪મી એપ્રિલે પોરબંદર પંથકના વૃદ્ધનું મૃત્યુ થયું હતું. દરમિયાન ૧૪મીએ જૂનાગઢના ૫૩ વર્ષના આધેડ રાજુભાઈ ભીખાભાઈ મકવાણા કે કે જેમને સ્વાઇન ફ્લુ પોઝિટિવ આવ્યો હતો તેનું પણ રાજકોટની સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં મૃત્યુ થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter