મીઠાપુર નજીક ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં ત્રણનાં મોત: બગોદરા પાસેના મીઠાપુર ગામ નજીક ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં ૩નાં ૧૯મીએ મૃત્યુ થયાં હતાં. કેન્યાના અને હાલ લાલપુર તાલુકાના કિશુમોભ્યા ગામના કેતનભાઈ હડિયા (ઉં. ૫૫) અને તેમના પત્ની કુંદનબહેન કેતનભાઈ હડિયા (ઉં. ૫૪) કાર લઈને અમદાવાદ જતાં હતાં ત્યારે વહેલી સવારે મીઠાપુર નજીક તેમની કાર ટ્રક પાછળ ઘૂસી જતાં કારચાલક હિરેનભાઈ સહિત ત્રણેયનાં મૃત્યુ થયાં હતાં.
લીંબડીઃ ટ્રક-કાર અથડાતાં પાંચના મૃત્યુઃ સોમનાથથી દર્શન કરીને ૧૯મીએ પરત ફરી રહેલી કાર દેવપરા ગામના પાટિયા પાસે પહોંચી ત્યારે ટ્રક સાથે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ૫ વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં. ઈજાગ્રસ્તોને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. મૃતકોમાં કર્ણાટકના અને હાલ અમદાવાદ રહેતા ભવાની નાગેન્દ્ર, સુબ્રમણ્યમ તંબારાવ, રાજેશ્રીબહેન સુબ્રમણ્યમભાઈ, ગણેશ સુબ્રમણ્યમભાઈ અને અકિલ પ્રસાદનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તોમાં નાગેન્દ્રપ્રસાદ, માધુરીબહેન શ્રીનિવાસ, કુચલીતાબહેન, રૂચિતાબહેન અને કાર ડ્રાઈવર સોહન કેવલાજીનો સમાવેશ થાય છે.
અગ્નિશામક પંપ ચાલુ જ ન થયો, ૧નું મૃત્યુઃ લીંબડી નજીક વાવડી રોડ પર રાધાપાર્કમાં સાહેબ એપાર્ટમેન્ટના ત્રીજા માળે ૧૮મીએ આગ ભભૂકી હતી. ફાયરની ટીમ સ્થળે પહોંચી, પણ પાણીનો પંપ ચાલુ જ ન થતાં અન્ય અગ્નિશામક સાધનો બોલાવવા પડ્યા. દરમિયાન મકાનમાં રહેતા અશોકભાઈ ભગીરથનું મૃત્યુ નીપજ્યું હતું. તેમનાં પત્ની સમય સૂચકતાથી બહાર નીકળી જતાં તેનો આબાદ બચાવ થયો હતો.
MLA સાથે ફોન પર વાત ચાલુ રાખી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખનો ગળાફાંસોઃ અમરેલી જિલ્લા પંચાયતની લિલિયા બેઠકના કોંગ્રેસના સદસ્ય અને જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ કેહુરભાઇ ભેડાએ સલડી ગામે પોતાની ફૂડ પ્રોસેસિંગ ફેકટરીમાં આર્થિક સંકડામણથી કંટાળી પંખા સાથે દોરડું બાંધી ૧૮મીએ ગળાફાંસો ખાઇ લીધો હતો. આ ઘટનાસ્થળેથી સુસાઈટ નોટ પણ મળી આવી છે. ધારાસભ્ય પ્રતાપ દુધાત સાથે ફોન પર રડતા રડતા વાત કરતી વખતે જ તેમણે આ અંતિમ પગલું ભરી લીધું હતું. સમાજના ડરના કારણે આ પગલુ ભર્યું હોવાનો ફોન પર ઉલ્લેખ કર્યો હતો.