• ભાગીદારીમાં ખટરાગ થવાથી હત્યાઃ અમરેલીના જેસિંગપરામાં રહેતા બે સગીર યુવાનો પ્રફુલ ચુનીભાઈ મંડોર અને કરશન છગનભાઈ અજાણીએ ભાગીદારીમાં ટ્રકનો ધંધો શરૂ કર્યો હતો, પણ બંને વચ્ચે ખટરાગ થતાં ચારેક મહિના પહેલાં બંનેએ ભાગીદારી તોડી નાંખી હતી છતાં પ્રફુલ અને કરશન વચ્ચે ભાગીદારીના પૈસા બાબતે નાની મોટી તકરારો થયા કરતી હતી. ૮મી ફેબ્રુઆરીએ રાત્રે પ્રફુલ જમીને નજીકની દુકાને પાન ખાવા ગયો ત્યારે અચાનક ત્યાં ધસી આવેલા કરશને પ્રફુલ પર ઉપરાછાપરી છરીના ડઝનેક ઘા કરતાં સારવાર મળે તે પહેલાં પ્રફુલનું મૃત્યુ થતાં હત્યાનો ગુનો નોંધી પોલીસે તપાસ આગળ વધારી છે.
• પુત્ર, પૌત્ર અને જમાઈએ વૃદ્ધની હત્યા કરીઃ જનાસાંગણા ગામના અને દાત્રડ ગામે રહેતા નરશીભાઈ ટપુભાઈ રાઠોડ (ઉ. ૮૦)ની હત્યા મામલે થયેલી પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે, નરશીભાઈના ત્રણ દીકરા ભરતભાઈ, સુખાભાઈ અને ભીમાભાઈમાંથી નાના બંને પુત્રો નરશીભાઈને નિયમિત પૈસા આપતા હતા. મોટા પુત્ર ભરતભાઈ પૈસા આપતા નહોતા. તેથી નરશીભાઈએ તળાજા નજીકના કુંઢેલી ગામે આવેલા પોતાના પ્લોટની ભાગબટાઈમાં ભરતને ભાગ ન આપવાનું નક્કી કર્યું હતું સામે ભરત ભાગતો હોવાથી પિત્ર - પુત્ર વચ્ચે બોલાચાલી બાદ વાત વણસી હતી. ઉશ્કેરાયેલા ભરતે તાજેતરમાં જમાઈ અરવિંદ કાના મકવાણી અને પુત્ર વિશાલ ભરત રાઠોડની મદદ લઈને પિતાના માથામાં કુહાડીના ઘા ઝીંકી પિતાની હત્યા કરી હતી. નાના પુત્ર ભીમાભાઈની ફરિયાદ પરથી હત્યામાં સંડોવાયેલા ભરત, અરવિંદ અને વિશાલની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
• શાપર વેરાવળમાં ભંગારના વેપારીની હત્યાઃ રાજકોટના નાણાવટી ચોકમાં રહેતા કમલેશભાઈ લાલુભાઈ ગુપ્તા (ઉ. ૪૫)ને ૯મી ફેબ્રુઆરીએ તેમના ભંગારના ધંધાર્થી અને ભાગીદાર શૈલેશ સ્ક્રેપવાળા સાથે શાપર (વેરાવળ)માં બાલાજી ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ધંધાની ભાગીદારી બાબતે રકઝક થઈ હતી. ક્રોધે ભરાયેલા શૈલેષે કમલેશભાઈને માથામાં ઈજા પહોંચાડતાં તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. બનાવની જાણ થતાં શાપર (વેરાવળ) પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકના શબને પીએમ માટે દવાખાને ખસેડી હત્યામાં સંડોવાયેલા શૈલેષની શોધખોળ આદરી હતી.