• ભારતના ૨૨ માછીમારોનું અપહરણઃ ભારતીય જળસીમામાંથી ૪ બોટ અને ૨૨ માછીમારોનું પાકિસ્તાન સુરક્ષા એજન્સીએ ૧૪મીએ અપહરણ કરતા ભારે ચકચાર જાગી છે. જેમાં પોરબંદર, ઓખા અને વેરાવળની બોટની સંભાવના છે. પાકિસ્તાનની આ નાપાક હરકતથી અપહ્યુત માછીમારોના પરિવારોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે. ચાર બોટ પૈકી બે બોટ પોરબંદર, એખ ઓખા અને એક બોટ વેરાવળની હોવાની શક્યતા છે. ભારતીય જળસીમામાંથી આ તમામ બોટનાં અપહરણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
• સ્કૂલ બસ નીચે આવતાં વિદ્યાર્થિનીનું મૃત્યુઃ ભાવનગરમાં ચિત્રા વિસ્તારમાં આવેલી સ્વામીનારાયણ ગુરુકૂળ સ્કૂલમાં ધોરણ-૨માં અભ્યાસ કરતી દિયા મુકેશભાઈ વાઢેર સ્કૂલેથી ઘેર આવતી હતી. તે બસમાંથી ઉતરી તે વખતે અચાનક બસ ચાલકે બસ ચાલુ કરી દેતાં બાળા બસના વ્હીલ નીચે આવી જતાં ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. એક તરફ બસ ચાલક નાસી છૂટ્યો હતો તો દિયાના પરિવારે જણાવ્યું હતું કે, બસચાલકની ધરપકડ ન થાય ત્યાં સુધી દિયાના મૃતદેહને સ્વીકારશે નહીં. આ અંગે આગેવાનો અને પોલીસે પિરવારને સમજાવવાની મહેનત કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
• પચ્છે ગામે લગ્નમાં ફાયરિંગ, યુવાનનું મૃત્યુઃ વલ્લભીપુર તાલુકાના પચ્છે ગામે રામદેવસિંહ તખુભા ગોહિલનાં ઘેર તેના પુત્ર ધર્મરાજસિંહના લગ્ન હતા. ૧૬મીએ રાત્રે દાંડિયાનો કાર્યક્રમ હતો ત્યારે રાત્રે ૧૨ વાગ્યે મહેમાન તરીકે આવેલા પચ્છે ગામનાં વિશ્વરાજ સિંહ ગૌતમસિંહ ગોહિલે તેની પાસેની રિવોલ્વરમાંથી ફાયરિંગ કરતાં પીપરડી ગામના પ્રિયરાજસિંહ બળવંતસિંહ જાડેજા (ઉં ૨૦) અને શક્તિસિંહ સુમનસિંહ જાડેજા (ઉં ૨૪)ને ઈજા પહોંચતાં બંનેને હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં પ્રિયરાજસિંહ જાડેજાનું મૃત્યુ થયું હતું. આ ઘટનાના પોલીસે તપાસ આગળ વધારી છે.
• પોસ્ટમાસ્ટરની રૂ. ૩૪.૫૪ લાખની ઉચાપતઃ સાયલાની પોસ્ટ ઓફિસમાં ઈન્ચાર્જ પોસ્ટમાસ્ટરે રૂ. ૩૪.૫૪ લાખની ઉચાપત કર્યાની સાયલા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જેપરના અને સુરેન્દ્રનગર રહેતા ભરતભાઈએ સાયલા પોલીસમાં પ્રવીણભાઈ સુતરસાંઢયા (રાજ્યસેવક - પોસ્ટલ આસિ.) સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૩-૫-૧૮થી ૧૮-૬-૧૮માં પ્રવીણભાઈએ ઈન્ચાર્જ પોસ્ટ માસ્ટરના હોદ્દાનો દુરુપયોગ કરીને ૫ ખાતામાં રૂ. ૪૬.૪૦ લાખ ને અન્ય ખાતામાંથી ૧૮.૧૪ લાખ મળી કુલ રૂ. ૩૪.૫૪ લાખ હિસાબમાં નહીં લઈને તેમજ ખાતેદારની ખોટી સહીથી ઉપાડી ઉચાપત કરી છે. આ કેસમાં પોલીસે તપાસ આદરી છે.
• ચોટીલા નજીક અકસ્માતમાં ૩નાં મૃત્યુઃ દ્વારકા જિલ્લાના ડીઆરડીએના નિયામક તરીકે ફરજ બજાવતાં અશોક પી. વાઘેલા તેમના પત્ની, પૌત્રી અને ઓફિસ સ્ટાફના બે વ્યક્તિ સાથે વહેલી સવારે ખંભાળિયાથી પાલનપુર જઈ રહ્યા હતા. દરમિયાન ૧૬મીએ સવારે આઠ વાગ્યા આસપાસ ચોટીલા હાઈવે પર સાંગાણી ગામના પાટિયા પાસે કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર નાળામાં ખાબકી હતી. આ અકસ્માતમાં અધિક કલેક્ટર અનિલ વાઘેલા, તેમના પત્ની કરુણાબહેન એ. વાઘેલા અને ઓફિસ ક્લાર્ક, દીપભાઈ સાતાનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. આ અકસ્માતમાં અનિલભાઈની પૌત્રી રિવાના જીમીભાઈ વાઘેલા અને કારના ડ્રાઈવર રવિ ભાયાભાઈ વાદકિયાનો બચાવ થયો હતો.
• ભરુડી નજીક અકસ્માતમાં બેનાં મોતઃ ગોંડલ હાઈવે પર ૧૬મીએ સાઈડમાં ઊભેલી કાર પાછળ બીજી કાર ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં નિકિતા રાજેશભાઈ ગોસ્વામી (ઉં. ૧૧) અને મીનાબહેન જસાણી (ઉં ૫૧)નાં મૃત્યુ થયાં હતાં. કારચાલક રાજેશભાઈ ગોસ્વામી, અસ્મિતાબહેન જસાણી તેમજ હીનાબહેન મીઢિયાને ગંભીર ઈજા થતાં પ્રાથમિક સારવાર ગોંડલ ખાતે આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. રાજકોટ ગોંડલ સહિત બહોળી સંખ્યામાં પદયાત્રીઓ વીરપુર જલારામ બાપાના દર્શને જતા હોય છે. મીનાબહેન, અસ્મિતાબહેન અને હીનાબહેન પણ પદયાત્રામાં જોડાયા હતા. જોકે ૧૬મીએ સવારે હાઈવે પર રાજેશ ગોસ્વામીની કારમાં તેઓ લિફ્ટ લઈને રાજકોટ આવતા હતા તે દરમિયાન આ અકસ્માત નડ્યો હતો.
• રાણપર પાસે દીપડો પાંજરે પુરાયોઃ ભાણવડ તાલુકાના સામાજિક વનીકરણ વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર હર્ષિદાબહેન પંપાણિયાના માર્ગદર્શન મુજબ વનવિભાગની ટીમ રાણપર ગામની મુલાકાત લીધી હતી. ત્યાં દીપડાના ફૂટમાર્ક્સ જોવા મળ્યા હતા. બાદમાં વનવિભાગની ટીમે પંદર દિવસ પૂર્વે દીપડાને પકડવા પાંજરું મૂક્યું હતું. ૧૬મીએ વહેલી સવારે દીપડો પાંજરે પુરાયો હતો. આ દીપડાને હાલ ભાણવડના ઘૂમલી ગામે વનચેતના કેન્દ્ર ખાતે વનવિભાગની ટીમની દેખરેખ હેઠળ રખાયો છે.