સંક્ષિપ્ત સમાચાર (સૌરાષ્ટ્ર)

Wednesday 04th March 2020 05:22 EST
 

• રિક્ષાની અડફેટે તલાટી - મંત્રીનું મૃત્યુઃ ભડવાણા ગામના તલાટી કમ મંત્રી સત્યકેતુભાઇ મકવાણા ૧લી માર્ચે ફરજ પરથી ઘરે પરત ફરતા હતા ત્યારે સુરેન્દ્રનગર રોડ પર રિક્ષાની હડફેટે આવી ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા સત્યકેતુને ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. પોલીસે પૂરપાટ રિક્ષા ચલાવીને સત્યકેતુને ઠોકરે લેનારા અજાણ્યા રિક્ષાચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
• કાર પલટી જતાં બેનાં મૃત્યુ: ધ્રાંગધ્રા નજીકના રામપરા ગામેથી ૨૯મી ફેબ્રુઆરીએ ઠાકોર પરિવારની જાન હળવદના કવાડિયા ગામે આવી હતી. બપોરે જાનૈયાઓ કોઈ કામ અર્થે વરરાજાની કાર લઈને હળવદ આવ્યા અને કામ પતાવીને પરત કવાડિયા નીકળ્યા હતા. કવાડિયા પાટિયા પાસે કાર પહોંચી ત્યારે કાર આડે પ્રાણી આવતાં ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો અને કાર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં રામપરાના રાજેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ઝાલા અને પ્રવીણ ઠાકોરનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે ચાર લોકો આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયાં છે.
• જામનગરના કોમ્પલેક્સમાં આગઃ જી.જી. હોસ્પિટલ નજીક આવેલા રાધેક્રિષ્ના એવન્યુ કોમ્પલેક્સના પહેલા માળે આવેલા ડો. બત્રાના હોમિયોપેથી ક્લિનિકમાં સંભવતઃ શોટ સર્કિટથી આગ લાગી હતી. જોતજોતમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બાજુમાં સુપર ગ્રેવિટી નામના ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોમ્પલેક્સના રવેશમાંથી જીવના જોખમે લોકોએ બહાર કાઢ્યા હતા. જોકે સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ નથી. ઘટનાને પગલે બે ફાયર ફાઇટરો દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter