• ધ્રોળમાં જમીન લે-વેચના ધંધાર્થીની હત્યાઃ શહેરના ધ્રોળમાં આવેલા વિસ્તાર ગાયત્રીનગરમાં રહેતા અને જમીન લે વેચના ધંધાર્થી દિવ્યરાજસિંહ જદુવીરસિંહ જાડેજા (ઉ.વ.૨૬) પોતાના એક સાથી સાથે છઠ્ઠી માર્ચે રાજકોટ રોડ પર રાજકોટમાં ત્રિકોણબાગ નજીક પેટ્રોલ પંપ પાસે બપોરે એટીએમમાંથી પૈસા ઉપાડીને કાર તરફ આવતા હતા. દિવ્યરાજની પહેલેથી જ રાહ જોતાં બે જણાએ દિવ્યરાજ પર ધડાધડ નવ રાઉન્ડ ફાયર કર્યાં હતાં. દિવ્યરાજસિંહને ગળા અને છાતીના ભાગે ગોળી વાગી હતી. તેમને તાકીદે હોસ્પિટલમાં ખસેડાયા હતા, પણ સારવારમાં તેનું મૃત્યુ થયું હતું.
દિવ્યરાજ પર ફાયરિંગ કરીને કારમાં નાસી છૂટેલા બંને જણા મુસ્તાક રફીક પઠાણ અને અનિરુદ્ધસિંહ સોઢાને જામનગર-મોરબી પોલીસે નાકાબંધી કરીને પકડી લીધા હતા. ઉલ્લેખનીય છે કે મજોઠ ગામના વતની અને ધ્રોળમાં રહેતા દિવ્યરાજસિંહ જાડેજા સામે પણ ધ્રોળ પોલીસ મથક અને જોડિયા પોલીસ મથકમાં મારામારી, લૂંટ, ખંડણી, હત્યા સહિતના ગુના નોંધાઇ ચૂક્યા છે અને જૂની હત્યાનું વેર વાળવા માટે જ તેની હત્યા કરાઇ હોવાનું અનુમાન કરાયું છે. કુલ નવ જેટલા ગુના જોડિયા પોલીસ મથકમાં પણ તેની સામે ગુનો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.
• વેરાવળ નજીકના રામપરાની સીમમાં નિદ્રાધીન દંપતીની હત્યાઃ વેરાવળથી ૩૫ કિ.મી. દૂર આવેલા રામપરા ગામની સીમમાંથી ચોથી માર્ચે એક દંપતીનાં લોહીથી લથબથ મૃતદેહો મળી આવ્યાં હતાં. બીજ ગામના રામાભાઇ સીદીભાઇ ભાદરકા (ઉં ૬૦) અને તેમનાં પત્ની લક્ષ્મીબહેન (ઉં ૫૦)નાં વાડીના મકાનમાં રહેતા હતા. આ મકાનમાંથી આ બંનેનાં માથા સહિતના ભાગે કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરાઈ હોય તેવા મૃતદેહો મળ્યાં હતાં અને લોહીવાળી કુહાડી પણ ત્યાંથી મળી આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, દંપતીની હત્યા લૂંટના ઇરાદે થઇ હોય તેવું લાગતું નથી કારણ કે, મૃતક લક્ષ્મીબહેના મૃતદેહ પર ઘરેણા યથાવત રીતે મળી આવ્યા છે. દંપતીની હત્યા મામલે મૃતકના સંતોનો અને વાડીમાં કામ કરતાં મજૂરોની સઘન પૂછપરછ ચાલી રહી છે.
• ૮ તમંચા, પિસ્તોલ સાથે ૫ જણાની ધરપકડ કરાઈઃ લખતરનાં વણા ગામની સીમમાંથી ગેરકાયદે હથિયાર ઘૂસાડવાનું રેકેટ ચોથીએ પકડાયું હતું. આ કેસમાં ૪ પિસ્તોલ, ૪ દેશી તમંચા અને બે કારતૂસ સાથે સાળા-બનેવી સહિત ૫ જણાને પોલીસે ઝડપી લીધા હતા. આ ઘટનામાં પાટડીના ઝેઝરી ગામના મુસ્તુફાખાન રહીમખાન જતમલેક, લખતરના વણાના પોપટ ઉર્ફે શક્તિ લાલજીભાઇ પચાળા મધ્ય પ્રદેશના અલીરાજપુરના વતની અને હાલ વણામાં રહેતા આદિવાસી દરબાન રાયસિંગભાઇ અવાસિયા, વણાના સરપંચ વાસુભાઇ પટેલની વાડીએ રહેતા કુંવરસિંહ ઉર્ફે ગોરધન સુનરિયાભાઇ ચંગુર (ચૌહાણ), તેના સાળા ડુમા કેમતાભાઇ ભચડિયાની ધરપકડ કરાઇ હતી. કોમ્બિંગમાં મુસ્તુફાખાન પાસે દેશી બનાવટની પિસ્તોલ અને શક્તિ લાલજીભાઇ પચાળા પાસે તમંચો હોવાની ચોક્કસ બાતમી મળતાં બંનેને ઝડપાયા પછી અન્યો અંગે માહિતી મળી હતી. મુસ્તુફાખાન અને શક્તિ પાસેથી રૂ. ૨૦ હજારની પિસ્તોલ, રૂ. પાંચ હજારનો તમંચો અને બે મોબાઇલ ફોન પણ કબજે કરાયા હતા. આ બંનેની પૂછપરછમાં હથિયાર દરબાન રાયસિંગભાઇ અવાસિયા પાસેથી ખરીદ કર્યાની કબૂલાત આપી હતી અને એ પછી દરબાન અવાસિયાને પણ ઝડપી લેવાયો હતો.
• મકાન ધરાશાયી થતાં વૃદ્વાનું મૃત્યુઃ ભાવનગરના વડવા વિસ્તારમાં આવેલા ખડિયા કૂવા પાસે રહેતા રાજુભાઈ વીરસંગભાઈ હાંડાનું જૂનું જર્જરિત મકાન ચોથીએ એકાએક ધરાશાયી થઈ જતાં મકાનના કાટમાળમાં રાજુભાઈનાં પત્ની મીનાબહેન (ઉ. ૬૦) અને રીનાબહેન મોહનભાઈ હાંડા (ઉ. ૬૦) નામની મહિલા દબાઈ ગયાં હતાં. આ અંગેની જાણ થતાં પોલીસ તથા ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો અને મકાનના કાટમાળ હેઠળથી બને મહિલાઓને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં મીનાબહેન રાજુભાઈ હાંડાનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.