સંક્ષિપ્ત સમાચાર (સૌરાષ્ટ્ર)

Tuesday 17th March 2020 06:21 EDT
 

• અકસ્માતમાં વૃદ્ધનું મૃત્યુઃ ગોમટા ગામ પાસે એટલાન્ટીસ હાઇટ્સમાં રહેતા ૬૩ વર્ષીય પ્રવીણભાઇ મોહનભાઇ ભાલોડિયા બાઇક લઈને નીકળ્યા હતા. બાઈક અને કારના અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા પ્રવીણભાઈનું મૃત્યુ નિપજ્યું હતું. જયારે તેમનાં પત્ની વનિતાબહેનને ઇજા થઇ હતી. બાઈક પર કાર ચડી જવાથી બનેલી આ ઘટનામાં કારચાલક સામે ગુનો નોંધાયો છે.
• ઝેરી દવા પીતાં તરુણીનું મૃત્યુઃ પિયાવા ગામે રહેતી ૧૬ વર્ષની રામુ ચનાભાઇ પરમારે માનસિક તકલીફના કારણે ૧૧મી માર્ચે ઝેરી દવા પી લીધી હતી. તેનું સારવાર દરમિયાન ચોટીલાની હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યું હતું.
• મેડિકલ ઓફિસરનું બ્રેઇન સ્ટ્રોકથી મૃત્યુઃ લાલપુરના મેડિકલ સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતા અને સરકારી દવાખાનમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો. સુધીર કુમાર રામચંદ્ર રામ (ઉ.વ. ૫૨)ને ૧૫મી માર્ચે પોતાના ક્વાર્ટરમાં એકાએક બ્રેઇન હેમરેજ અને પેરાલિસિસનો હુમલો આવ્યો હતો અને તેઓ કોમામાં સરી પડ્યા હતા. મેડિકલ ઓફિસરને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મૃત્યું નીપજ્યું હતું.
• અજાણ્યા માણસનો મૃતદેહ મળ્યોઃ સમર્પણ સર્કલ નજીક રેલવે લાઇન પાસેથી ૧૫મી માર્ચે ૨૭ વર્ષના અજ્ઞાત યુવાન બેશુદ્વ અવસ્થામાં મળી આવ્યો હતો. તેને જી. જી. હોસ્પિટલમાં દાખલ કરાયો હતો ત્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતકના વાલી ન હોવાથી ફરજ પરના તબીબે પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને મૃતકની ઓળખ કરવા માટે કાર્યવાહી હાથ ધરી મૃતદેહને હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો છે.
• એસિડ પીને આપઘાતઃ ખંભાળિયા પાસેના ઉગમણાબારા ગામમાં રહેતા અને ખેતીકામ કરતા સુખદેવસિંહ દાનસંગ જાડેજા (ઉ.૪૦) ધૂળેટીના તહેવારે પોતાના ભાઈ અને જામનગરમાં ધરારનગર નવાપાવર હાઉસ પાસે રહેતા મહોબતસિંહ રામસંગજી જાડેજાના ઘરે ગયા હતા. કમરના દુઃખાવાથી તંગ સુખદેવસિંહે પોતાના ભાઇનાં ઘરે એસિડ પીને આત્મહત્યાનો પ્રયાસ કરતાં સારવાર માટે તેમને જામનગર જી. જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં ૧૫મી માર્ચે તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
• દૂષણ ફેલાવતા ઇંટોના ભઠ્ઠા પર બુલડોઝરઃ અમરેલી શહેરમાં વડી-ઠેબી નદીના કાંઠે ધમધમી રહેલા અને અત્યંત પ્રદૂષણ ફેલાવી રહેલા અનઅધિકૃત્ત સરકારી જમીન ઉપર દબાણ કરેલા ૩૭ જેટલાં ઇંટોના ભઠ્ઠા માલિકોને જમીન ખુલ્લી કરવા કલેકટરે કાર્યવાહી કરી હતી. પ્રદૂષણ ફેલાવતાં ૩૭ ઇંટોના ભઠ્ઠા ઉપર બુલડોઝર ફરી વળ્યાં તો બીજી તરફ ગરીબોની રોજીરોટી છિનવાઈ જવાની દહેશત ઉભી થઇ છે. બીજી તરફ રૂ. ૯.૧૫ કરોડની જમીન ખુલ્લી કરાવવા રૂ. ૨૫.૩૨ લાખનો જથ્થો પણ ૧૫મી માર્ચે જપ્ત કરવામાં આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter