મત્સ્ય ઉછેરને મંજૂરી અપાઈઃ લોકડાઉન ૨.૦માં ફિશિંગ માટે મંજૂરી મળી હોવા છતાં દેશભરમાં મત્સ્ય ઉત્પાદન શરૂ કરવામાં અડચણો નડી રહી છે. મત્સ્ય ઉદ્યોગમાં જોડાયેલા ૧.૪ કરોડ લોકોને પ્રતિકૂળ અસર થઈ છે. ગુજરાતના સુરત અને દીવમાં આશરે ૨૦ હજાર મોટી બોટ તથા ૮ હજાર નાની બોટ દરિયા કિનારે જ ઉભી છે. કારણ બોટ માલિક, સપ્લાયર, અને એક્સપોર્ટર પાસે નથી ક્રૂ મેમ્બર કે મજૂર. લોકડાઉનના પ્રથમ ચરણમાં અંતરિયાળ પ્રદેશોના ક્રૂ મેમ્બર, શ્રમિકો પોતાના વતન પરત ફર્યા છે. જે શટડાઉનને લીધે કામ પર પરત ફરવાની સ્થિતિમાં નથી. માછીમારોએ ફિશિંગ બંધ રાખ્યુ છે. તેઓને ઉંચા ભાવ અને ખરીદદાર મળી રહ્યા નથી. અખિલ ભારતીય ફિશરમેન એસોસિએશનના પ્રમુખ વેલજીભાઈ મસાનીએ જણાવ્યુ છે કે, સરકાર પાસે આશાવાદ છે કે, તે માછીમાર અને બોટ માલિકો માટે રાહત પેકેજ જારી કરે. વેલજીભાઈ અનુસાર, પ્રત્યેક બોટ માલિકને સરેરાશ રૂ. ૩ લાખનું નુકસાન છે. ગુજરાતમાં જ બોટ માલિકોને આશરે ૯ અબજનું નુકસાન થઈ શકે છે.
સિંહણે બે બચ્ચાંને જન્મ આપ્યોઃ પોરબંદર જિલ્લાના બરડા સાતવીરડા નેસ જિનપુલમાં સિંહણ સરિતાએ ૨૬મી એપ્રિલે વહેલી સવારે ૨ બચ્ચાંને જન્મ આપ્યો છે. બંને બચ્ચાં તંદુરસ્ત હોવાનું જાણવા મળે છે. જિનપુલમાં ૪ માસ પહેલાં સરિતા નામની સિંહણ અને નાગરાજ નામના સિંહને સક્કરબાગ ઝૂ મોકલી અપાયાં હતા. આ જિનપુલમાં એવન નામનો નર સિંહ હતો. એ પછી શક્કરબાગથી ૨ માદા અને ૧ નર સિંહને જિનપુલ લવાયાં હતા. જેથી જિનપુલ ખાતે ૨ નર અને ૨ માદા સિંહને રખાયાં હતા. જેમાંથી એવન સાથે માદાનું મેટિંગ થતાં સિંહણ ગર્ભવતી બની હતી અને અંદાજે ૧૦૦ દિવસે, રવિવારે વહેલી સવારે ૫ વાગ્યે સિંહણે ૨ બચ્ચાંને જન્મ આપ્યો હતો. હાલ સિંહણ અને તેના બચ્ચાં એક રૂમમાં સુરક્ષિત છે. આ ઉપરાંત વન વિભાગ દ્વારા આ વિસ્તાર પણ સેનિટાઈઝ કરવામાં આવે છે.
લાંગરેલી શિપમાં દીપડો ઘૂસ્યોઃ ભાવનગર નજીક આવેલા અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના પ્લોટ નં. ૧૫૩માં લાંગરેલી કિંગકોંગ નામની શિપમાં ૨૫મી એપ્રિલે રાત્રે ચોકીદારને જહાજના ડેક પર કોઈ પ્રાણી બેઠું હોવાનું માલૂમ પડ્યું હતું. ડેક પર ટોર્ચનો પ્રકાશ ફેંકતા દીપડો હોય તેવું લાગ્યું હતું. તેણે તુરંત પ્લોટના માલિકને જાણ કરી વન વિભાગને જાણ કરતાં દીપડાને પકડવા માટે વન વિભાગની રેસ્ક્યૂ ટીમ દોડી આવી હતી. વન વિભાગની ટીમે દીપડો હોવાની ખાતરી કરીને પાંજરું મૂકતાં જણાવ્યું કે, આ ચાલીસ હજાર ટનનું જૂનું પણ મહાકાય જહાજ છે. તેની બનાવટ પણ જૂની હોવાથી અંદરના રસ્તાઓ અટપટા અને સાંકડા છે જેથી દીપડો પકડાવો મુશ્કેલ છે. દીપડો આરામથી શિપની અંદર ફરી રહ્યો છે