• રૂ. ૪૦ કરોડના ખર્ચે રાજકોટમાં નવું ટર્મિનલઃ રાજકોટ નજીક હીરાસરમાં નવું ઈન્ટરનેશનલ એર પોર્ટ બનાવવા માટેની કાર્યવાહી શરૂ કરાઈ છે, પણ આ એર પોર્ટ બનતાં છ-સાત વર્ષ નીકળી જશે. તેથી રાજકોટના હાલના એર પોર્ટને ડેવલપ કરીને નવું ટર્મિનલ બનાવવા માટે એર પોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ રૂ. ૪૦ કરોડનો ખર્ચ મંજૂર કર્યો છે.રાજકોટ એ સૌરાષ્ટ્રનું હબ હોવાથી રાજકોટ - મુંબઈ વચ્ચે મુસાફરોની અવરજવર વધારે રહે છે. રાજકોટથી દિલ્હી જનારા લોકો પણ હોય છે. તેથી તાત્કાલિક ધોરણે આ સુવિધાની વિચારણા કરાઈ છે. રાજકોટ એર પોર્ટ પરથી હાલમાં રોજની છ ફ્લાઇટ ઉડાન ભરે છે અને વર્ષે ૪ લાખ મુસાફરોની અવરજવર રહે છે.
• દીવમાં પાર્ટી પછી પોલીસ તાલીમાર્થી સસ્પેન્ડઃ રાજકોટ રૂરલ પોલીસના એમ. ટી. વિભાગમાં ડ્રાઇવિંગના ૧૨ પોલીસ તાલીમાર્થી જવાનોએ દીવમાં પોલીસ વાનમાં જ દારૂ, બિયરની મહેફિલનો વીડિયો વાયરલ થતાં જિલ્લા પોલીસ દ્વારા ૧૨ તાલીમાર્થી સહિત ૧૩ને સસ્પેન્ડ કરી દેવાયા છે.
• રાજકોટ ફાટકમુક્ત બનશેઃ રેલવે ફાટકને લીધે રાજકોટમાં સર્જાતી ટ્રાફિક સમસ્યાને ડામવા ૧૯મી એપ્રિલે રેલનગર અન્ડરબ્રિજનું લોકાર્પણ મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીના હસ્તે થયું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે, એ સમય દૂર નથી જ્યારે ‘રાજકોટને ફાટકમુક્ત’ જાહેર થશે. રૂપાણીએ રાજકોટ મહાપાલિકાને સૂચના આપી હતી કે, શહેરમાં તમામ ફાટક પર અંડરબ્રિજ કે ઓવરબ્રિજ બનાવવાની દરખાસ્ત આવનારા બજેટમાં મૂકે જેથી શહેરીજનોને અદ્યતન સુવિધા મળી શકે.
• અપહૃત વેપારી ચંદ્રકાંતભાઈ પટેલની હત્યાઃ મોરબી નજીક જૂની પીપળીનાં અને મહેન્દ્રનગર ચોકડી પાસે સિરામિક ટ્રેડિંગનો ધંધો કરતા ચંદ્રકાંતભાઈ જેઠલોજા પટેલનું તેની ઓફિસમાંથી તેની જ કારમાં ૧૬મી એપ્રિલે અપહરણ થયું હતું. અપહરણકારે વેપારીના પિતા પાસે ફોન પર રૂ. ત્રણ કરોડની ખંડણી માગી હતી. આ અંગે પોલીસને જાણ કરાઈ હતી. દરમિયાન વેપારીની ગોળી મારીને હત્યા કરીને તેની લાશ કાલિન્દ્રી નદીમાં ફેંકાઆ હતી. ખંડણી માગતા કોલની પોલીસે તપાસ કરતાં પગેરું મધ્ય પ્રદેશના નરીગઢ ગામે નીકળ્યું હતું. પોલીસે આમરણના પટેલ જયેશ ઉર્ફે બાબુ શામજીભાઈ કાસુન્દ્રાની મધ્ય પ્રદેશમાંથી ધરપકડ કરી હતી.
• નિવૃત્ત સ્ટેશન માસ્તરનો મૃતદેહ મળ્યોઃ બોટાદના રાધાકૃષ્ણનગરમાં રહેતા નિવૃત્ત રેલવે સ્ટેશન માસ્તર વિક્રમસિંહ કાઠિયા (ઉં. ૬૧)નો મૃતદેહ સહકાર નગરના પુલ પાસેથી ૨૩મીએ મળી આવ્યો હતો. આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.