• રાજકોટમાં સમૂહલગ્નમાં સાસુમાને કરિયાવર અપાયોઃ રાજકોટમાં રવિવારે નૂપુર ગ્રૂપ દ્વારા યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં કરિયાવર કન્યાને નહીં પણ તેના સાસુમાને અપાયો હતો. કરિયાવરમાં સ્કૂટર, ફ્રીઝ, ફર્નિચર સહિતની વસ્તુ કન્યાને નહીં પણ તેમના સાસુમાને અર્પણ કરી હતી.
• રેપ કેસની ધમકી આપીને વેપારી પાસેથી રૂ. ૧૨ લાખ પડાવ્યાઃ રાજકોટમાં નબીરાઓ કે ધંધાર્થીઓને બળાત્કાર ગુજાર્યાની પોલીસ ફરિયાદની ધમકી આપીને નાણાં ખંખેરવાના કારસ્તાન આચરનાર પાયલ ભાવેશભાઈ બુટાણીએ ઇમેટેશનના ધંધાર્થીને ફસાવીને વધુ એક રૂ. ૧૨.૬૦ લાખનો તોડ કર્યાના આરોપસરનો ગુનો પાયલ અને તેની સાથે તપાસમાં ખૂલે તે ઇસમો સામે નોંધાયો છે. પાંચમી મેએ પાંચ લાખના તોડમાં પકડાયેલી પાયલ અને તેની સાથેની અન્ય બે સાગરિત ભારતી તથા નેહા ઉર્ફે માહીના છઠ્ઠીએ રિમાન્ડ નામંજૂર થતાં જેલ હવાલે કરાઈ હતી. રાજકોટની સોસાયટીમાં રહેતા અને જી.કે. જેમ્સ એન્ડ જ્વેલરી નામે ઇમિટેશન જ્વેલરીની દુકાન ધરાવતા વેપારીને ત્યાં ત્રણ વર્ષ પહેલાં પાયલ અને તેની માતા, માસી ઇમિટેશન જ્વેલરીની ખરીદી કરવા આવ્યા હતા. પાયલે લગ્નમાં જવું છે કહીને ચાર સેટ મંગાવ્યા હતા. દુકાનદાર પોતે ચાર સેટ લઈને કાલાવાડ રોડ પ્રેમ મંદિર પાસે ગયો હતો. ત્યાંથી પાયલ દુકાનદારને તેના અસીમ હાઈટ્સ સ્થિત ફેલટ પર લઈ ગઈ હતી. વિશ્વાસે ગયેલા ધંધાર્થીને પોતાના પર બળાત્કાર કર્યો છે ક્હીને પાયલે પોલીસ ફરિયાદ નોંધાવવાની ધમકી આપી રૂ. ૧૯૦૦૦ની કિંમતના ચાર સેટ પડાવી લીધા હતા.
• ‘આપ’માંથી કળસરિયાનું અન્ય પાર્ટી પર નિશાનઃ ભાજપમાંથી ચૂંટાયા બાદ સરકાર સામે લડત માંડીને છૂટા પડીને આમ આદમી પાર્ટીમાં જોડાયેલા મહુવાના કનુભાઈ કળસરિયા હાલમાં અન્ય રાજકીય પાર્ટીમાં જવા માટે ચક્રો ગતિમાન કર્યાની ચર્ચા થઈ રહી છે. આપમાં રહીને મહુવા પંથકમાં ઉદ્યોગ ધંધાથી ખેતીની જમીનને નુકસાન થતું હોવાની લડત આપીને અનેક કંપનીઓને પાછી ધકેલી દેવામાં કનુભાઈ કળસરિયાએ લડત આપી છે, ત્યારે હાલમાં ભાજપમાં પુનઃ જવા માટે ગતિવીધી ચાલી રહી હોવાની ચર્ચા થઈ રહી છે, ત્યારે ભાજપની વિકાસની નીતિ સાથે તેઓ સફળ થઈ શકશે કે કેમ તે એક પ્રશ્ન છે.
• ૧૮ ગાય, ૪ આખલા અને ૬ વાછરડાં પર એસિડ ફેંકાયોઃ પોરબંદર શહેરના બોખીરા વિસ્તારના કે. કે. નગરમાં સેવાભાવી યુવાનો દ્વારા ફાળો એકત્રિત કરીને રખડતા મૂગા પશુઓને ચારો નાખવામાં આવે છે અને મોટી સંખ્યામાં ગાયો, બળદ અને નાના વાછરડાંઓ આ વિસ્તારમાં એકઠા થાય છે ત્યારે કોઈ અસામાજિક તત્ત્વો થોડા દિવસોથી આ પશુઓ પર એસિડ ફેંકે છે. છઠ્ઠી મેએ ૧૮ ગાયો, ૪ આખલા અને ૬ વાછરડા ઉપર અસામાજીક તત્ત્વોએ એસિડ ફેંકાયો હતો. જેના લીધે જીવદયાપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો અને તાત્કાલિક આ અસમાજિક તત્ત્વોને ઝડપી લેવા માગ ઊઠી હતી.
• ‘ભારત-પાક તંગદિલીથી 'નો એરેસ્ટ પોલિસી' મુશ્કેલ: પોરબંદર સહિત રાજ્યભરના માછીમારોના અનેકવિધ પ્રશ્નોના નિરાકરણની માહિતી મેળવવા માટે પૂર્વ વિદેશ પ્રધાન અને સાંસદ શશી થરૂરની આગેવાનીમાં સાંસદોનું એક પ્રતિનિધિમંડળ ગુજરાતના પ્રવાસે હતું. છઠ્ઠીએ દીવ બાદ પ્રતિનિધિમંડળ પોરબંદરની મુલાકાતે આવ્યું હતું. તેમની સમક્ષ 'નો એરેસ્ટ પોલીસી' અમલમાં મૂકવા માછીમારોએ માગ કરી હતી. તેના પ્રત્યુત્તરમાં સાંસદ શશી થરૂરે જણાવ્યું હતું કે, હાલ ભારત અને પાકિસ્તાનના જે પ્રકારે સંબંધ વણસ્યા છે જોતા એરેસ્ટ પોલીસી અમલમાં મૂકવી મુશ્કેલ છે. ચીન નામના હાથી ઉપર પાકિસ્તાન નામનો ઉંદર ચૂં ચૂં કરે છે. ભારતનો સાચો દુશ્મન ચીન છે. એમ અમરસિંહે જણાવ્યું હતું. ગુરુજીતસિંહ ઓજસ, સુજાતા બોઝ, પ્રો. કે. રિચર્ડ, મધુમિતા વેંકટેશ, મહંમદ કીલ, શરદ મિશ્રા સહિતના સાંસદો હાજર રહ્યા હતા.
• ગોળીબારમાં ત્રણ યુવાનના મૃત્યુ અંગે ‘સીટ’ની તપાસ શરૂઃ થાનગઢમાં ૨૩મી સપ્ટેમ્બર, ૨૦૧૨ના રોજ લોક મેળાની પૂર્ણાહુતિ પછી દલિત અને અન્ય સમાજના યુવાનો વચ્ચે મારામારી થઈ હતી. પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરી, ટીયર ગેસ છોડ્યો હતો, પરંતુ ટોળાએ મચક નહીં આપતાં ગોળીબાર કર્યો હતો. જેમાં દલિત જૂથના મેહુલ લાલજીભાઈ રાઠોડ, પ્રકાશ બાબુભાઈ પરમાર અને પંકજ અમરશીભાઈના મૃત્યુ થયાં હતાં. થાનગઢ બંધ, જાહેર સભા સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. બાદમાં સરકાર અને સંસ્થાઓ દ્વારા મૃતકના પરિવારને આર્થિક સહાય અપાઈ હતી. દલિત સમાજ દ્વારા બનાવની તટસ્થ તપાસ કરવાની માગણી કરાઈ હતી અને કેસની તપાસ માટે સમિતિ રચાઈ હતી. આ કેસની હવે તપાસ શરૂ કરાઈ છે.