• ઝાલાવાડ પ્રેસ કાઉન્સિલ દ્વારા પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાનું સન્માનઃ ઝાલાવાડ પ્રેસ કાઉન્સિલ સુરેન્દ્રનગરના ૨૦મા સ્થાપના દિન છઠ્ઠી મેએ આયોજિત સમારોહમાં પત્રકાર, લેખક પદ્મશ્રી ડો. વિષ્ણુ પંડ્યાનું સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં ઝાલાવાડ પ્રેસ કાઉન્સિલના હોદ્દેદારો, ગુજરાત રાજ્ય ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ આઇ. કે. જાડેજા, સ્વામિનારાયણ સંત માધવપ્રિયદાસજી અને ઉપસ્થિત આગેવાનોના હસ્તે વિષ્ણુભાઈનું શાલ, રૂદ્રાક્ષની માળા અને સન્માનપત્ર એનાયત કરી સન્માન કરાયું હતું.
• મૃત NRIનાં બંગલા પર માલિકી કરનારા બે સામે ગુનોઃ કાલાવડ ગામ પાસે હરિપર પાળ ગામની સીમમાં રોયલ એન્કલેવ સોસાયટીમાં આવેલા અને ૪ વર્ષ પહેલાં મૃત્યુ પામેલા એનઆરઆઈ મુકુંદરાય રાયચુરાના બંગલાના બોગસ દસ્તાવેજોના આધારે રાજકોટના રહીશો ભૂષણસિંહ સરદારસિંહ સોલંકી અને તેના મળતિયા સંજયસિંહ ભાવસિંહ સોલંકીએ બંગલો પચાવી પાડવાનો કારસો રચવાની ફરિયાદ લોધીકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.
• રૂ. ૩ કરોડ ખંડણી ન આપે તો NRIને ગોળીએ દેવાની ધમકીઃ દુબઇમાં વેપાર-ધંધો કરતા મેમણ વેપારી ફારૂકભાઇ વતન વેરાવળમાં બાઈક પર જઈ રહ્યા હતા તે વખતે કુખ્યાત ઇમરાન રહેમાન મુગલ ઉર્ફે ઇમરાન છીપો અને તેના ૩ અજાણ્યા મિત્રોએ મોટર સાયકલને આંતરીને રોકાવીને ફારૂકભાઈને પિસ્તોલ બતાવીને કહ્યું હતું કે, રૂ. ૩ કરોડ આપ નહીં તો ગોળી મારી દઇશ. ગભરાયેલા ફારૂકભાઈએ કહ્યું કે અત્યારે તેમની પાસે કંઈ નથી તો ઈમરાને એક કાર્ડ આપીને તેને મોબાઈલ કરીને રકમ પહોંચતી કરવા કહ્યું. ફારૂકભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
• ચોરવાડનાં દરિયે સેલ્ફી લેતાં ૪ યુવતી અને ૧ યુવક તણાયાઃ ચોરવાડ પાસેનાં કાણેક ગામમાં લગ્ન પ્રસંગમાં માંગરોળ તાલુકાનાં શીલોદરની ધર્મિષ્ઠા મનજીભાઇ સોંદરવા (ઉ. ૧૮), કાણેકની હેતલ ગોવિંદભાઇ આમહેડા (ઉ. ૨૨) અને તેની બે બહેનો પૂર્વી (ઉ. ૨૦), શીતલ (ઉ. ૧૮) અને એક યુવાન સહિત ચોરવાડ હોલિડે કેમ્પનાં દરિયાકિનારે સેલ્ફી લઇ રહ્યા હતા. તે વખતે જ એક મહાકાય મોજું આવ્યું અને પાંચેય દરિયામાં ગરક થઈ ગયા. ત્યાં હાજર લોકોએ પાંચેયને બહાર કાઢ્યા, પણ ધર્મિષ્ઠાનું અને યુવાનનું પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું.