• બે ભાઈએ બહેનને ઝેર પીવડાવી હત્યા કર્યાની ફરિયાદઃ જસદણ તાલુકાના વતની અને હાલ રાજકોટમાં રહેતા જાણીતા ફાયનાન્સર બિસુભાઇ વાળાની પુત્રી પૂનમને તેના બે ભાઇઓ બિરેન અને રાજવીરે ગયા મહિને જસદણની વાડીએ ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસમાં કોઇ જાણ કર્યા વિના કુટુંબે પુત્રીના અંતિમ સંસ્કારની કાર્યવાહી પૂર્ણ કરી દીધી હતી. આ મામલે પોલીસને મળેલી અરજી બાદ તપાસ કરતા બન્ને ભાઇઓએ જ સગી બેનની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે મૃતકના પિતાએ નોંધાવેલી ફરિયાદ બાદ બન્ને ભાઈની ધરપકડ કરી બન્ને ભાઈના ત્રણ સાગરિતોની શોધખોળ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં પ્રેમપ્રકરણ સહિતના મુદ્દે બહેનની હત્યા કર્યાની વિગતો ખૂલી છે.
• ‘ઉડાન’ હેઠળ મુંબઈ-પોરબંદર અને કંડલાની ફ્લાઇટઃ દેશના નાના શહેરો વચ્ચે કનેક્ટિવિટી વધે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ૨૫૦૦ રૂપિયાના ભાડા સાથે નવી ફ્લાઇટ્સ શરૂ કરવાની યોજના શરૂ કરાઈ છે. આ યોજનાના ભાગરૂપે સ્પાઇસ જેટ દ્વારા ૧૦ જુલાઈથી ગુજરાતમાં બે નવી ફ્લાઇટ્સ મુંબઈ – પોરબંદર – મુંબઈ અને મુંબઈ – કંડલા - મુંબઈ વચ્ચે શરૂ કરાઈ રહી છે. ઊડે દેશના આમ નાગરિક (ઉડાન) યોજના હેઠળ સ્પાઇસ જેટ દ્વારા મુંબઈથી પોરબંદર અને કંડલા માટે ડેઈલી ફ્લાઇટ શરૂ કરાશે. આ બન્ને શહેરો માટે સ્પાઇસ જેટ ક્યુ-૪૦૦ એરક્રાફ્ટનો ઉપયોગ કરશે.
• સાળંગપુરમાં ૩૦૦ને ફૂડ પોઈઝનિંગની અસરઃ બોટાદ જિલ્લાના સાળંગપુર ગામે રહેતા શાર્દુલભાઈ ભવાનભાઈ ગમારા (ભરવાડ)ને ત્યાં ૧૮મીએ સીમંતવિધિનો પ્રસંગ હતો. બપોરના જમણવારમાં દાળ ખાવાથી આ પ્રસંગે ઉપસ્થિત આશરે ૨૦૦થી ૨૫૦ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી જેનાથી લોકોને ઝાડા-ઊલ્ટી થવા લાગતાં નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતાં ૧૦૮ના તબીબની ટીમે અન્ય ડોક્ટરો સાથે સાળંગપુર પહોંચી ગઈ હતી અને તાત્કાલિક સારવાર શરૂ કરાઈ હતી અને અન્યોને બોટાદ શહેરની સોનવાલા પ્રાઈવેટ દવાખાના અને લાઠીદડ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. હાલ મોટાભાગના લોકોની તબિયત સુધારા પર છે અને અન્યોની સારવાર ચાલુ છે.
• નર્સ પર દુષ્કર્મનો પ્રયાસ કરનારા તબીબ સામે ફરિયાદઃ વેરાવળના રોકડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સંચાલક તબીબ સુધીર રોકડિયા દ્વારા તાજેતરમાં રાત્રે સ્ટાફની યુવતીને સ્પેશિયલ રૂમમાં બોલાવીને દુષ્કર્મના ઇરાદે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યા હોવા અંગે તબીબ સામે પીડિત યુવતીએ ત્રિપાંખ સાધુ સમાજના આગેવાનોની મદદથી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ૧૯મીએ ત્રિપાંખ સાધુ સમાજના આગેવાનો હિતેશગીરી ગોસ્વામી, આશિષ રામાવતના નેજા હેઠળ પીડિત યુવતી અને તેની માતા સહિત સાધુ સમાજના ભાઈ બહેનોએ રેલી સાથે રોષભેર કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં રાજકીય વગ ધરાવતા ફરાર આરોપી તબીબ સુધીર રોકડિયાને પોલીસ ઝડપી પાડી તેનું જાહેરમાં સરઘસ કાઢે તેવીમા ગણી કરી છે.
• રાજકોટમાં ગાયોની અવદશા મામલે હાઇ કોર્ટની સુઓમોટોઃ રાજકોટમાં ગાયોની દુર્દશા અંગેના જાગૃત નાગરિકે લખેલા પત્ર અને ફોટોગ્રાફ્સને ધ્યાને રાખી હાઇ કોર્ટે સુઓમોટો વ્યૂ લઈ જાહેર હિતની રિટ દાખલ કરી છે અને ગાયોની બદતર હાલત અંગે રાજ્ય સરકાર અને રાજકોટ મ્યુ. કોર્પોરેશનને નોટિસ કાઢી જવાબ માગ્યો છે. રાજકોટ મ્યુનિસિપલ હદ વિસ્તારમાં ગાયોની દયનીય અને લાચારભરી દુર્દશાના મામલે નિરંજન આચાર્ય નામની વ્યક્તિએ હોઇ કોર્ટને પત્ર લખ્યો હતો અને ગાયોની દયનીય હાલતના વાસ્તવિકતા રજૂ કરતા ફોટોગ્રાફ્સ પણ મોકલ્યા હતા.
• તુલસીદાસ એવોર્ડ મેળવતાં સૌ પ્રથમ ગુજરાતી ભીખુદાનઃ લોક સંસ્કૃતિ ક્ષેત્રે યોગદાન આપનારા કલાકારોને મધ્ય પ્રદેશ સરકાર દ્વારા રાષ્ટ્રીય સંત તુલસીદાસ એવોર્ડ દર ચાર વર્ષે અપાય છે. આ વર્ષે સૌ પ્રથમ વખતે આ એવોર્ડ ગુજરાતીને મળ્યો છે. લોક સાહિત્ય પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીને તાજેતરમાં ભોપાલમાં અગ્ર સચિવના હસ્તે આ એવોર્ડ એનાયત કરાયોહતો. આપણી સંસ્કૃતિને લોકભાગ્ય બનાવવા મધ્ય પ્રદેશ સરકાર દ્વારા ૧૯૮૩થી રાષ્ટ્રીય સંત તુલસીદાસ એવોર્ડ આપવામાં આવે છે. તેમાં એવોર્ડ વિજેતાને રૂ. બે લાખ પશસ્તિપાત્ર અને શાલ અર્પણ કરાય છે.