• મેઘાણી એવોર્ડ માટે નવ સાહિત્યકારોની પસંદગી: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ચાલુ વર્ષે નવ સાહિત્યકારોને મેઘાણી એવોર્ડ તેમજ ૯ કવિ-કલાકારોને હેમુ ગઢવી એવોર્ડથી સન્માનિત કરાશે. એવોર્ડ કમિટીએ તમામ એવોર્ડ માટેના નામ ઉપર ચર્ચા-વિચારણા કર્યા પછી જ આ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. મેઘાણી એવોર્ડ માટે ડો. બળવંત જાની, ડો. નિરંજન રાજ્યગુરુ, જીતુદાન ગઢવી, લક્ષ્મણભાઈ લીલા, રેવાબહેન તડવી, પુંજલભાઈ રબારી, ડો. એન. યુ. ગોહિલ અને સાગરભાઈ બારોટના નામની પસંદગી કરવામાં આવી છે. જ્યારે લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ માટે ભીખુદાન ગઢવી, પૂંજાવાળા, શાહબુદ્દિન રાઠોડ, દીનાબહેન ગાંધર્વ, લક્ષ્મણભાઈ બારોટ, હેમંત ચૌહાણ અને નિરંજન પંડ્યાના નામ પસંદ કરવામાં આવ્યા છે.
• ચેકડેમમાં ડૂબી જવાથી બે ભાઈઓના મૃત્યુઃ મૂળ મધ્ય પ્રદેશના પણ નવેક વર્ષથી ખીજડિયામાં વલ્લભભાઈ પટેલની વાડીમાં કામ કરતા અને ત્યાં જ રહેતા જગદીશભાઈ ભીડે નામના યુવાનના સંતાનો વિરલ (ઉં ૮), ચીંટુ (ઉં ૩) અને વિજય (ઉં ૪) રાણપુર જવાના રસ્તે આવેલા ચેકડેમમાં નહાવા પડ્યા હતા. ત્યારે વિરલ અને ચીંટુ ઊંડા પાણીમાં ગરક થઈ ગયા હતા અને વિજય બહાર નીકળ્યો હતો. વિજયે દેકારો કરતાં આસપાસમાંથી લોકો એકઠાં થયા હતા અને બાળકોના પિતાને જાણ કરી હતી. જોકે, ચેકડેમમાં ડૂબી જવાથી વિરલ અને ચીંટુના મોત નિપજ્યા હતા.
• નેશનલ ઇન્વેસ્ટિગેશને રામોડિયા ભાઈઓની કસ્ટડી લીધીઃ ગુજરાતમાં આઇએસના આતંકી વસીમ આરીફ રામોડિયા અને નઇમ રામોડિયાની નેશનલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એનઆઇએ) એ ૩૦મી જૂને રાજકોટની જેલમાંથી કસ્ટડી મેળવી છે. એનઆઇએ દ્વારા એટીએસ પાસેથી તપાસના દસ્તાવેજો મેળવીને બંને આરોપીઓની રાત દિવસની કસ્ટડી મેળવવા માટે કરેલી માગણી બાદ ખાસ કોર્ટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ગુજરાત ત્રાસવાદ વિરોધી દળે બંને આરોપીઓના કોર્ટમાંથી ર૪ દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં.
• દીવ નગરપાલિકામાં કોંગ્રેસની પુનઃ જીત: દીવ નગરપાલિકાની વોર્ડ નં.૧થી ૧૩ની કુલ ૧૩ બેઠકોની સોમવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસે ૧૦ બેઠક પર જીત મેળવી સત્તા જાળવી રાખી હતી. જ્યારે ભાજપને માત્ર ૩ બેઠક જ મળી હતી. કોંગ્રેસ ૧૨, ભાજપ ૧૩ અને અપક્ષ ઉમેદવારો ૧૫ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા. વરસતા વરસાદ વચ્ચે પણ મતદારોએ ભારે ઉત્સાહ દેખાડીને ૭૨.૭૦ ટકા જેટલું મતદાન કર્યું હતું.
• ભાજપના સાંસદ ફતેપરા સામે ચેક રિટર્ન કેસમાં બિનજામીનઃ અમદાવાદના થલતેજમાં રહેતા પ્રભાતસિંહ ઠાકોરે ભાજપના સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપરા સામે પોલીસમાં રૂ. ૧ કરોડ ૩૮ લાખ અને ૫૦ હજારના ચેક રિટર્નની ફરિયાદ કરી છે. રાજકોટના કણકોટ ગામમાં આવેલી જમીન દેવજી ફતેપુરાએ પોતાની હોવાનું જણાવીને પ્રભાતસિંહ ઠાકોરને વેચી દેવાનું કાવતરું કર્યું હતું. પ્રભાતભાઈએ દેવજી ફતેપુરાને ટુકડે ટુકડે રૂ. ૧ કરોડ ૪૮ લાખ ૫૦ હજાર આપ્યા હતા. એ પછી જમીનનું બાનાખત કરાયું હતું, પણ જમીનનો દસ્તાવેજ કરી આપવા સાંસદ દેવજી ફતેપુરા ઠાગઠૈયા કરતા હતા. તેથી પ્રભાતસિંહે ફતેપુરાને આપેલી રકમ પરત માગી હતી ત્યારે દેવજીએ જમીનનો દસ્તાવેજ થઈ શકે તેમ નથી કહીને નાણાં પરત આપવાની ખાતરી આપવાની ખાતરી સાથે પ્રભાતભાઈને રૂ. ૧ કરોડ ૩૮ લાખ ૫૦ હજારનો ચેક આપ્યો હતો. જે રિટર્ન થતાં પોલીસ ફરિયાદ કરાઈ છે.
• દરિયામાં તોફાન આવતા પાંચ ખલાસીઓ ડૂબ્યાઃ જામનગર જિલ્લામાં આવેલા સચાણા ગામના દરિયામાં એક બોટમાં પાંચ માછીમાર માછીમારી કરવા ગયા હતા. બોટ મધદરિયે ઊંધી વળતાં પાંચમાંથી ત્રણ ખલાસીઓને બચાવી લેવાયા છે જ્યારે બેની શોધખોળ ચાલી રહી છે.