સંક્ષિપ્ત સમાચાર (સૌરાષ્ટ્ર)

Wednesday 20th September 2017 09:27 EDT
 

• દેરાસર પર વીજળી પડવાથી ઘુમ્મટ ખંડિતઃ જૈન મહાતીર્થ પાલિતાણામાં શેત્રુંજ્ય ડુંગર પર આવેલા નવ ટૂંકની બાજુમાં દેરાસરના શિખર પર વીજળી પડતાં ઘુમ્મટ ખંડિત થયો હોવાના સમાચાર છે. પાલિતાણામાં ૧૬મીએ ભારે વરસાદ રહ્યો હતો અને પાલિતાણામાં ૩૯ મિમી વરસાદ નોંધાયો હતો. ૧૭મીએ હળવા વરસાદ પછી ૧૮મી અને ૧૯મીએ ફરી વરસાદે માઝા મૂકી હતી. દરમિયાન ૧૮મીએ દેરાસરના શિખર પર વીજળી પડતાં ૪ બાય ૨ની ગોળાઈના ઘુમ્મટમાં તિરાડ પડી હતી. તેવું આણંદજી કલ્યાણજી પેઢીના સૂત્રોએ જણાવ્યું હતું.
• એરિસ્ટોન સિરામિકને વિદેશી પ્રમાણપત્રઃ થાનગઢ સિરામિક વિસ્તારમાં આવેલા એકમ એરિસ્ટોનને સિરામિક લેબોરટરી માટે પ્રતિષ્ઠિત સર્ટિફિકેટ I.A.P.M.O. (ઇન્ટરનેશનલ એસોશિએશન ઓફ પ્લમ્બિંગ એન્ડ મિકેનિકલ ઓફેશિયલ) પ્રાપ્ત થયું છે. આ સર્ટિફિકેટ બેંગ્લોર શાખાના ચીફ એડિટર ડો. અબ્દુલ મેથને થાનગઢ આવી એરિસ્ટોન ગ્રૂપના દુષ્યંતભાઈ સોમપુરાને એનાયત કર્યું હતું. S.S.I. (સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ) સિરામિક લેબમાં આ સર્ટિફિકેટ મેળવનાર એરિસ્ટોન સિરામિક ભારતભરમાં પ્રથમ કંપની બની છે. લેબમાં A.S.M.E.(અમેરિકન સોસાયટી ઓફ મિકેનિકલ એન્જિનિયર)ના સ્ટાન્ડર્ડમાં કંપનીની ૬ પ્રોડક્ટ ભારતભરના પર્યાવરણ બચાવતા ગ્રીન બિલ્ડીંગમાં ઉપયોગમાં લેવાશે જે W.E.P.1 (વોટર એફિસિયન્ટ પ્રોડ્ક્ટ) અને U.P.C. Code હેઠળ આવે છે. એટલે એક યુનિવર્સલ કક્ષાની પ્રોડક્ટ બની છે. એવી પ્રોડક્ટ અમેરિકામાં H.E.T. (હાઈ એફિસિયન્ટ ટોયલેટ) તરીકે ઓળખાય છે. માટે હવે એરિસ્ટોન સિરામિક ટેસ્ટીંગ લેબોરેટરી (A.C.T.L)ની પ્રોડક્ટ દુનિયાભમાં પહોંચશે.
• તાલાળામાં સિનિયર સિટીઝન હોલ બનશેઃ તાલાળા શહેરમાં સંપૂર્ણ સુવિધાથી સજ્જ નવનિર્મિત વાંચનાલય તથા સિનિયર સિટીઝન માટે હોલ બનાવવાની કામગીરીને પાલિકાના પ્રમુખ ભૂપતભાઈ હીરપરાના અધ્યક્ષસ્થાને મળેલી પાલિકાની સામાન્ય સભાએ મંજૂરી આપતાં તાલાળા શહેરના સિનિયર સિટીઝન મંડળ સહિતના લોકોએ નિર્ણયને વધાવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter