દીવઃ પવિત્ર શ્રીફળની લૂંટ કરવાના અનોખા કાજળા પર્વની ઉજવણી બોળચોથના દિવસે દીવમાં કરાઈ હતી. ૧૫મી સદીનાં કબીર ભગતની સ્મૃતિમાં ભારતમાં વાંઝા જ્ઞાતિ દ્વારા માત્ર દીવમાં ૧૫૦ વર્ષથી રોમાંચક કાજળા પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ સેંકડો લોકો આ ઉત્સવમાં ઉમટયા હતાં.
બોળ ચોથના દિવસે વાંઝા જ્ઞાતિ દ્વારા કબીર ભગતના કાજળા પર્વની ધામધૂમથી શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પર્વ ભારતભરમાં માત્રને માત્ર દીવ વાંઝા જ્ઞાતિ દ્વારા જ મનાવવામાં આવે છે. કબીર શબ્દ અરબી ભાષાનો છે. તેનો અર્થ ‘મહાન’ એવો થાય છે. જે આ મહાપુરુષ સાથે જોડાયો ને તેમણે અર્થ સાર્થક કર્યો.
કબીરના અંત સમયે તેઓ કાશી નજીકનાં મગહર ગામમાં જઈને વસ્યા હતાં. જયાં ૧૫૬૭માં આ વિચારકનું અવસાન થયું હતું. કબીર ભગત હિન્દુ હતા કે મુસ્લિમ એ અંગે એ સમયે વિવાદ થયો હતો અને આજે પણ આ વિવાદ થયા કરે છે. તેમના શિષ્યગણોમાં હિન્દુ-મુસ્લિમ બંને સામેલ છે. કબીરજીના મૃત્યુ બાદ વિવાદ એટલો તીવ્ર બની ગયો હતો કે કોઈએ તેમના પાર્થિવ શરીર પરથી કફન હટાવ્યું તો ત્યાં શબની જગ્યાએ ફૂલોનો ઢગલો નીકળ્યાની લોકવાયકા છે. મગહર ગામમાં આજે પણ કબીરજીની સમાધિ છે.
લગભગ ૧૫૦ વર્ષથી દીવમાં વાંઝા જ્ઞાતિ સમુદાય કબીરજીની યાદ તાજી રાખવા માટે કાજળાનો તહેવાર ઉજવે છે. જેમાં ફૂલો, નાગરવેલના પાન અને વાસ દ્વારા એક રચના કરવામાં આવે છે. તેમાં એક મોટું શ્રીફળ જેની આગલી રાત એટલે કે શ્રાવણ વદ ત્રીજના દિવસે આખી રાત પૂજા કરવામાં આવે છે. શ્રીફળને કાજળામાં મૂકવામાં આવે છે અને તેને લોકો પાસે લુંટાવવામાં આવે છે. જેને કાજળો લૂંટાણો કહેવાય છે. આ શ્રીફળનું એટલું મહત્ત્વ છે કે જેને મેળવવા લોકો રીતસર લૂંટફાટ કરતા જોવા મળે છે. ખાસ તેને જોવા માટે લોકોનાં ટોળા ઉમટે છે. આ શ્રીફળ નસીબદારને મળે છે અને તેને મેળવનારની દરેક મનોકામના પૂર્ણ થતી હોવાનું કહેવાય છે. આ વર્ષે દીવ વાંઝા જ્ઞાતિના પ્રમુખ રોહિત સોલંકીના નેતૃત્વમાં આયોજિત કબીર ભગતના કાજળા પર્વમાં કબીર ભગતના કાજળાનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ શ્રીફળ દીવના ઝોલાવાડીના યુવક ઉમેશ અશ્વિન રાઠોડે લૂંટયું હતું. આ શ્રીફળ દીવ પોલીસ સુરક્ષા જાપ્તા દ્વારા ઉમેશ રાઠોડના ઘર સુધી સહી સલામત પહોંચાડાયું હતું.