જૂનાગઢ: વન્ય પ્રાણીઓના આદાન-પ્રદાન અંતર્ગત જૂનાગઢ શક્કરબાગ ઝૂમાંથી આઠ સાવજોને ઉત્તર પ્રદેશના ગોરખપુર મોકલવા સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા મંજૂરી અપાઈ છે અને છ માદા અને બે નર સિંહોને આગામી ચોમાસામાં ગોરખપુર મોકલાશે.
સૌરાષ્ટ્રના સિંહ વિશ્વ વિખ્યાત છે અને વન્ય પ્રાણીઓના આદાન-પ્રદાનની જોગવાઇ છે આ યોજના અંતર્ગત ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી વચ્ચે ગીરના ૧૧ સિંહો ઉત્તર પ્રદેશને આપવાની સમજૂતી થઇ હતી. જોકે બે રાજ્ય સરકારો કે અન્ય દેશો વચ્ચેની આદાન-પ્રદાન સમજૂતી હેઠળ સેન્ટ્રલ ઓથોરિટીની પરવાનગી અનિવાર્ય બને છે.
ઉત્તર પ્રદેશ સરકારની માગણી અને રાજ્ય સરકારની સંમતિ બાદ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા આઠ સાવજોને ગોરખપુર મોકલવાની મંજૂરી અપાઇ ગઈ છે. જૂનાગઢના સીસીએફ દુષ્યંત વસાવડાએ જણાવ્યું કે, આ સાવજોનું કેવી રીતે સ્થળાંતર કરવું તે હવે નક્કી કરાશે. શક્કરબાગ ઝૂમાંથી અત્યાર સુધીમાં પપથી વધુ સાવજોને દેશ-વિદેશમાં મોકલવામાં આવ્યા છે.