અમરેલીઃ ધારીમાં ચાર વર્ષ પહેલાં ૧૬ વર્ષની સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. સગીરાની હત્યા બાદ તેનો મૃતદેહ દાટી દેવાયો હતો. ચાર વર્ષ બાદ અમરેલી LCBએ આ બનાવનો ભેદ ઉકેલી નાંખ્યો છે અને પોલીસે ૩ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી વિમલે સગીરા સાથે પ્રેમસંબંધ બાંધી અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો.
૧૮મી ઓગસ્ટ ૨૦૧૬ના રોજ વિમલ અને તેનો મિત્ર જયરાજે સગીરાને ભગાડી જવાનું કાવતરું ઘડ્યું હતું. તે જ દિવસે સાંજે આરોપીઓ વિમલ અને જયરાજ સગીરાને ફોસલાવીને વિમલના બાઈક પર ભગાડી ગયા હતા. રસ્તામાં સગીરાએ વિમલ સાથે જવાની ના પાડી હતી અને પાછી ઘરે મૂકી જવાનું કહ્યું હતું. આથી બંને આરોપીઓ સગીરાને સમજાવવાના બહાને જંગલમાં લઈ ગયા હતા.
વિમલ તથા જયરાજ સગીરાને ભાગી જવા સમજાવતા હતા, પરંતુ સગીરા માની નહોતી. એથી વિમલે સગીરાને મોઢે ડૂચો ગઈને તેનું ગળું દબાવી હત્યા કરી હતી. સગીરાના મૃતદેહ સંતાડી બંને ઘરે જતા રહ્યા હતા. એ જ રાત્રે વિમલે તેના મિત્રો જયરાજ અને હિતેશ સાથે મળીને સગીરાના મૃતદેહને દાટી દીધો હતો.
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરી આરોપીઓને શોધી કાઢ્યા પછી મૃત્યુનો ભેદ ઉકેલ્યો હતો. આરોપીઓએ સગીરાને દાટી એ જગ્યા બતાવી ત્યાં ખોદકામ કરતા માનવ અસ્થિઓ મળી આવી હતી.
સગીરાની અસ્થિઓ પીએમ અને સાયન્ટિફિક તપાસણી માટે ફોરેન્સિક સાયન્સ ડિપાર્ટમેન્ટ સર ટી. હોસ્પિટલ ભાવનગર મોકલી આપ્યા છે.