રાજકોટઃ ક્રિકેટ સટ્ટામાં મોટી રકમ હારી ગયેલા રાજકોટના યુવાન દીપક જમનાદાસ ધાનાણીએ વીડિયો વાયરલ કરીને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. દીપકે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાજકોટ શહેર પોલીસ કમિશનરને ઉદ્દેશીને વીડિયો મૂક્યો છે. વીડિયોમાં તે કહે છે કે, હું ક્રિકેટના સટ્ટામાં રૂ. પાંચથી સાત કરોડ હારી ગયો છું. આ રકમ ચૂકવવા હું ક્રિકેટ અને સોનાનો સટ્ટો રમ્યો છું તે સ્વીકારું છું. મેં સટ્ટામાં હારેલા પૈસા બુકીને ચૂકવવા મારો બંગલો વેચી નાંખ્યો છે. હજી મારે અમદાવાદના નામચીન બુકી મીત ગુજરાતને રૂ. એક કરોડથી વધુની રકમ આપવાની છે. આ બુકી મારા ઘરની વોચ રાખે છે. એ મારા હાથ પગ ભાંગી નાંખવાની ધમકી આપી છે. મારા માતા પિતાને પણ મીત અને તેના ચેલાઓ ધમકી આપે છે.
મારાથી જુગાર રમવાનું ખોટું કાર્ય થયું છે તે સ્વીકારું છું, પરંતુ હવે મારી પાસે કંઈ નથી. હું ઘરે આવીશ તો મારું અપહરણ કરશે અને મારી મિલકત પચાવી પાડવાનો પ્રયત્ન કરશે તેથી આ વીડિયો વાયરલ કરું છું. મારો મિત્ર એઝાઝ અને પત્ની હિના આપને મારી લેખિત ફરિયાદ પહોંચાડશે.