અમરેલીઃ રાજુલા તાલુકાના સમઢિયાળા ગામે ૧૬મી મેએ પીપાવાવ પોલીસ મથકના કોન્સ્ટબેલ સહિત દસ કોળી લોકોએ દલિત યુવાન જયંતિ કાંતિભાઈ મારુ સાથે બોલાચાલી કરીને તેના પર મરચાંની ભૂકી છાંટી લાકડાના ધોકા અને પાઇપ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરી નાંખી હતી. યુવકનાં પરિજનોએ હત્યારાઓ ન પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કરતા પોલીસ વિમાસણમાં પડી હતી.
જયંતિ કાંતિભાઈ મારુ
(ઉ. વ. ૨૫) નામનો યુવાન પટવા ગામ તરફના રસ્તે બાપા સીતારામની મઢી પાસે બાઈક પર બેઠો હતો ત્યારે તે જ ગામના ખોડા ભગવાન મકવાણા, અરવિંદ ભાણા મકવાણા, અરવિંદ ખોડા મકવાણા સહિત દસ જણા હથિયારો સાથે ધસી આવ્યા હતા. તેઓએ યુવાન પર સૌપ્રથમ મરચાની ભૂકી છાંટી હતી. અને બાદમાં પાઇપ અને લાકડીના ધોકા વડે તેના પર તૂટી પડ્યા હતા. યુવકને આડેધડ મારમારી લોહીલુહાણ કરી નાખ્યો હતો. અને બાદમાં હુમલાખોરો નાસી ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા જયંતીભાઈ મારુનું સારવાર દરમિયાન મોત થયું હતું.