બ્લડ બેંકિંગ, થેલેસેમિયા નિયંત્રણ અને અટકાવ, ગ્રામીણ શૈક્ષણિક માળખાકિય વિકાસ, શિક્ષણમાં શ્રેષ્ઠતા, સાયન્સ ઓફ લિવિંગ થ્રુ યોગા, પ્રાણાયામ અને ગ્રીનફિલ્ડ – એન્વાયર્નમેન્ટલ ઈન્ટરવેન્શન ક્ષેત્રે સક્રિય એવી રાજકોટની પ્રોજેક્ટ ‘લાઈફ’ના ચીફ ડેવલપમેન્ટ ઓફિસર ઋષિકેશભાઇ પંડ્યા અને જોઇન્ટ ડાયરેક્ટર શ્રીમતી મિત્તલ શાહે તાજેતરમાં જ યુકે, યુએસએ અને કેનેડાના ૪૮ દિવસના આંતરરાષ્ટ્રીય પ્રવાસના ભાગરૂપે યુકેની મુલાકાત લઇ સ્થાનિક સંસ્થાઅોના અગ્રણીઅોને પ્રોજેક્ટ ‘લાઈફ’ અને તેના કાર્યો અને સેવા પ્રવૃત્તીઅો અંગે માહિતી આપી હતી.
ઋષિકેશભાઇ પંડ્યાએ તેમના પ્રવાસના પ્રારંભે જ 'ગુજરાત સમાચાર' કાર્યાલયની મુલાકાત લઇને તંત્રી અને પ્રકાશક શ્રી સીબી પટેલ સાથે પ્રોજેક્ટ લાઇફની વિવિધ કામગીરી અને વિકાસ અંગે ચર્ચા વિચારણા કરી હતી. શ્રી સીબી પાસેથી તેમણે લંડન અને યુકે સ્થિત વિવિધ સંગઠનો અને તેમની ભૂમિકા અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. તેમણે લંડનની મુલાકાત દરમિયાન લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડનના અશોક સોઢા અને વિનોદ ઠક્કર, નવનાત વણીક એસોસિએશનના પ્રેસિડેન્ટ ધીરૂભાઇ ગાલાણી, ટ્રસ્ટી મયુરભાઇ સંઘવી, કમિટી મેમ્બર્સ અને મેહમાનો વિનોદભાઇ ઉદાણી, અનિલભાઇ પારેખ, અનિલભાઇ દોશી, ભોગીલાલ સંઘવી, રમેશભાઇ શાહ, અોશવાલ એસોસિએશન અોફ યુકેના પ્રેસિડેન્ટ તુષારભાઇ શાહ, વાઇસ પ્રેસિડેન્ટ નીલેશભાઇ શાહ, કમિટી મેમ્બર્સ, એશિયન ફાઇઉન્ડેશન ફોર હેલ્પના પેટ્રન અને વાઇસ પ્રેસિડેન્ટ ગોપાલભાઇ પોપટ અને ટ્રસ્ટી વિનોદભાઇ કોટેચા, સનાતન હિન્દુ મંદિરના નરેન્દ્રભાઇ ઠકરાર અને રામબાપા સેવા ટ્રસ્ટના ભારતીદેવી અને બિપીનભાઇ કંટારીયાની મુલાકાત લઇ સંસ્થાની માનવતાવાદી પ્રવૃત્તિઓ સેવાપ્રવૃત્તિ અને વિવિધ કાર્યો અંગે માહિતી આપી હતી. શ્રી પંડ્યાએ નવનાત વડિલ મંડળમાં ૩૦૦ વડિલોને પણ સંબોધન કર્યું હતું. તેમણે સૌ NRIને સંસ્થાની - બ્લડ સેન્ટરની મુલાકાત લઇ માનવતાવાદી પ્રવૃત્તિઓ નિહાળવા અનુરોધ કર્યો હતો. આવતા મહિને પ્રોજેક્ટ ‘લાઈફ’ની યુકે શાખા પણ શરૂ થનાર છે.
આ પ્રોજેક્ટમાં સૌરાષ્ટ્ર મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ઈન્ડિયન મેડિકલ સાયન્ટિફિક રિસર્ચ ફાઉન્ડેશન સંકળાેયલા છે. સંસ્થાનું લક્ષ્ય ૧૦૮ સ્કૂલનો વિકાસ કરવાનું છે. અત્યારે બ્લડ ડોનેશન સેન્ટરમાં દરરોજ ૧૦૦ યુનિટ એકત્ર થાય છે અને અત્યાર સુધીમાં કુલ અડધો મિલિયન કરતા વધારે રક્તઘટકોનું વિતરણ કર્યું છે. મહિલા સશક્તિકરણ યોજનાનો ૬,૦૦૦ મહિલાને લાભ મળી રહ્યો છે. શ્રીમતી જયા બચ્ચન તેમની ગવર્નીંગ કાઉન્સિલમાં છે. વધુ માહિતી માટે www.999life.org વેબસાઈટની મુલાકાત લો.