વેરાવળ: વેરાવળથી ચોરવાડ વચ્ચે અરબી સમુદ્રમાં ૨૫મી ફેબ્રુઆરીએ ૩૦મી વીર સાવરકર અખિલ ભારતીય સમુદ્ર તરણ સ્પર્ધા યોજાઈ હતી. રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગીર-સોમનાથ વહીવટીતંત્ર અને હરિઓમ આશ્રમ સુરત – નડિયાદ પ્રેરિત ‘વીર સાવરકર અખિલ ભારતીય સમુદ્ર તરણ સ્પર્ધા’ દર એકાંતરે વર્ષે ચોરવાડથી વેરાવળ વચ્ચેના અરબી સમુદ્રમાં યોજાય છે. આ વખતે સ્પર્ધામાં ૧૮ ભાઈઓ અને ૮ બહેનો મળીને કુલ ૨૬ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ભાઈઓ માટે ચોરવાડથી વેરાવળ બંદર ૨૧ નોટિકલ માઈલ અને બહેનો માટે આદ્રીથી વેરાવળ બંદર ૧૬ નોટિકલ માઈલ સુધીનું અતંર સ્પર્ધામાં કાપવાનું હતું.
આ સ્પર્ધામાં ભાઈઓમાં વડોદરાના શિવમ જેઠુડીએ ૫ કલાક ૪૩ મિનિટ ૪૯ સેકન્ડમાં તેમજ બહેનોમાં સુરતનાં મોનિકા નાગપુરે ૪ કલાક ૧૪ મિનિટ ૧૫ સેકન્ડમાં સ્પર્ધા પૂર્ણ કરીને પ્રથમ સ્થાને રહી હતી.
જન્મથી દિવ્યાંગ સાગરે છઠ્ઠીવાર ભાગ લીધો
૨૧ નોટિકલ માઈલની તરણ સ્પર્ધામાં ઔરંગાબાદના જન્મથી દિવ્યાંગ સાગર રાજીવે પણ ભાગ લીધો હતો. ચાલુ વર્ષે છઠ્ઠી વાર આ સ્પર્ધામાં તેઓ સ્પર્ધક હતા. તે બધિર છે અને તેમની એક આંખ માત્ર ૪૦ ટકા કાર્યરત છે છતાં તેઓ સ્પર્ધામાં ભાગ લે છે. સાગરે યુરોપ-આફ્રિકા વચ્ચે યોજાતી ઝિબ્રાલ્ટર સી સ્વિમિંગ કોમ્પિટિશન ઉપરાંત દિવ્યાંગ માટે યોજાતા ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયા અને બલ્ગેરિયામાં પણ ભાગ લીધો હતો.
વિજેતા ભાઈઓ
૧ શિવમ જેઠુડી (વડોદરા) ૫ કલાક ૪૩ મિનિટ ૪૯ સેકન્ડ
૨ સંપન્ન સેલર (મહારાષ્ટ્ર) ૬ કલાક ૧ મિનિટ ૮ સેકન્ડ
૩ કરણ સેલર (ગુજરાત) ૬ કલાક ૧૦ મિનિટ ૩ સેકન્ડ
વિજેતા બહેનો
૧ મોનિકા નાગપુરે (સુરત) ૪ કલાક ૧૪ મિનિટ ૧૫ સેકન્ડ
૨ ડોલ્ફીન સારંગ (ગુજરાત) ૪ કલાક ૩૮ મિનિટ ૪૩ સેકન્ડ
૩ નિકિતા પ્રભુ (મહારાષ્ટ્ર) ૪ કલાક ૪૧ મિનિટ ૪૪ સેકન્ડ