તળાજાઃ ભાવનગરના તળાજામાં દરિયાના પાણીથી જમીનની ફળદ્રુપતાને બચાવવા મેથાળા આસપાસના ૨૦ ગામોના ખેડૂતોએ ૫૦ દિવસમાં ૯૮૦ મીટરનો બંધારો બાંધીને મીઠાપાણીનું સરોવર તૈયાર કર્યું છે. વર્ષોથી ખેડૂતોને કાગળ પર પ્લાન દેખાડતી ગુજરાત સરકારના ભ્રષ્ટ અધિકારીઓએ આ બંધારા માટે રૂ. ૯૦ કરોડના ખર્ચનો અંદાજ મૂક્યો હતો. જેની સામે ખેડૂતોએ માત્ર રૂ. ૪૦ લાખમાં જ ૪૫ ફૂટ તળિયેથી અને ઉપરથી ૩૦ ફૂટ પહોળો બંધારો બાંધીને સરકારને રીતસર તમાચો માર્યો છે.
ગ્રામીણ નાગરિકોએ રવિવારે સવા કળશીની લાપસીના આંધણ મૂકીને આ બંધારાનો ઉપયોગ પણ શરૂ કર્યો છે.
૨૦ ગામના લોકો એક રસોડે તૈયાર થનારી આ પ્રસાદી લઈને બંધારો પૂર્ણ થયાની સત્તાવાર જાહેર સાથે ઉજાણી કરી હતી. બંધારા નિર્માણ સમિતિના આગેવાનોએ જણાવ્યુ કે આ બંધારની ઊંચાઈ ૬ મીટર છે અને પથ્થરનું પેસિંગ પણ કરવામાં આવ્યુ છે. જેથી બાંધ વરસાદમાં ધોવાય નહી. પાણી વધારે ભરાય તો ઓવરફ્લો માટે ૫૭૫ ફૂટ આરસીસીનું કામ પણ કરાયું છે. ગ્રામવાસીઓના સહકાર સંપથી હજારો વિઘામાં મીઠાપાણીનો સંગ્રહ થશે. દરિયાના ખારા પાણી અને ભૂગર્ભ વાટે વધતા ક્ષારને રોકાશે. ખેડૂતોએ ધોમધખતા તાપ વચ્ચે દાતાઓની સખાવતને લઈ બંધારાનુ નિર્માણ કર્યું છે. ત્રણ મહિના દરમિયાન સ્થાનિક ખેડૂતોએ પાંચ જેસીબી અને પંચાસ ટ્રેક્ટરો તેમજ સેંકડો મહિલાઓ, ખેત મજૂરો, યુવકોએ ભેગા મળીને બંધારનું કામ પૂરું કર્યું છે.
આ બંધારો દરિયાની સપાટીથી આશરે બે ફૂટ ઊંચાઈએ બાંધવામાં આવ્યો છે. જેથી દરિયાનું પાણી ફળદ્રુપ ખેતીની જમીનોમાં પણ આવતું અટકે છે.