વેરાવળ: ચાંડુવાવ ગામની સરકારી શાળામાં બાળકોની અનોખી બચત બેંક પાંચ વર્ષથી કાર્યરત છે અને હવે તો રૂ. ૧૨.૨૫ લાખના ભંડોળ સાથે વટવૃક્ષ બનીને પ્રેરણારૂપ બની છે. વેરાવળ તાલુકાના ચાંડુવાવ ગામે આવેલી સરકારી પે સેન્ટરના શાળાના આચાર્ય જગદીશભાઈ વાળા જણાવે છે કે, શાળાએ પાંચ વર્ષ પૂર્વે એક નવતર પ્રયોગ રૂપે વિદ્યાર્થીઓ સંચાલિત બચત બેંકની સ્થાપના કરી હતી. શિક્ષકોના માર્ગદર્શક થકી બેંકો જેવા નિયમો બચત બેંક માટે ઘડવામાં આવ્યા હતા.
હાલ શાળામાં ધો. ૧થી ૮માં ૨૩૭ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાંથી ૧૪૭ બાળકો બચત બેંકમાં ખાતા ધરાવે છે. તમામ ખાતાધારક વિદ્યાર્થીઓને બચત બેંકની પાસબુક અપાય છે. જેમાં નાણાંકીય લેવડદેવડના હિસાબોની નોંધાય છે.
આ બચત બેંકમાં દર શનિવારે વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક સાનુકૂળતા મુજબ રકમ જમા કરાવી શકે છે. જે જમા થયેલી રકમમમાંથી વર્ષ દરમિયાન બાળકોને પુસ્તક, ગણવેશ, પ્રવાસમાં જવા જેવી શૈક્ષણિક જરૂરિયાતના સમયે વગર વ્યાજે ધિરાણ અપાય છે. નાણાકીય વર્ષ પૂર્ણ થાય ત્યારે બાળકો દ્વારા થયેલી બચતની રકમ વ્યાજ સહિત વ્યક્તિગત ખાતામાં જમા કરાય છે.
હાલ બચત થયેલી રકમમાંથી અમુક ભાગ ફીક્સ ડીપોઝીટ કરી આપવાની વિચારણા ચાલે છે.