રાજકોટઃ સૌરાષ્ટ્રના સરધાર સ્વામીનારાયણ મંદિરના એક મોટા સ્વામી તેમના જ એક સાધુ શિષ્ય સાથે પોતાના બાથરૂમમાં દુષ્કૃત્ય આચરી રહ્યા હોવાનું નજરે જોયાની વાત આ જ મંદિરના બે પૂર્વ પાર્ષદો કરતા હોવાની ઓડિયો ક્લિપ તાજેતરમાં ફરતાં વિવાદ ઊભો થયો છે. ઓડિયોમાં સ્પષ્ટ થાય છે કે, સરધારના બે તત્કાલીન પાર્ષદ વચ્ચે ટેલિફોનિક વાતચીત ચાલે છે. ઓડિયોમાં એક જણ જણાવે છે કે મોટા સ્વામી બાથરૂમમાં શિષ્ય સાથે નિવસ્ત્ર થઇને સેક્સલીલા કરી રહ્યા હોવાનું પોતે જોયું છે. આ વાત છુપાવવા ઘણા દબાણો પણ થયાં છે. સામે પક્ષે પાર્ષદો એવું કહે છે કે, ગમે તેમ પણ સ્વામી આપણા ગુરુ છે. તેથી એમની વાતો ઉઘાડી પાડવી જોઇએ નહીં, પરંતુ તમે ગુરુની આ વાતો જાણો છો એમ કહીને જેટલો લાભ લેવો હોય તેટલો લઇ શકો છો.
આશરે ૨૬ મિનિટની આ ઓડિયો ક્લિપ વડતાલના હરિભક્તોનાં વ્હોટ્સ ગ્રૂપમાં ‘જાગો ભક્તો જાગો’ હેઠળ વાઈરલ થઈ છે. આ ઓડિયો વાઈરલ થતાં લંપટી સાધુઓને તાત્કાલિક સંપ્રદાયમાંથી હાંકી કાઢવાની માગ ઊઠી છે.
ઓડિયોમાંના બે સ્વામીઓ અમદાવાદમાં સ્થાયી
ઓડિયોમાં બે સરધાર મંદિરના તત્કાલીન પાર્ષદો હોવાનું હરિભક્તોની વાઈરલ ઓડિયો ક્લિપ સાથેના મેસેજમાં જણાવાયું છે, પરંતુ આ બંને ભગતો દીક્ષા લઇને સાધુ બની ચૂક્યા હોવાનું ખૂલ્યું છે. તેમણે સરધાર સ્વામીનારાયણ મંદિર પણ છોડી દીધું છે તથા વડતાલ સંપ્રદાય પણ ત્યજી દીધો છે.
હવે આ બંને પાર્ષદો અમદાવાદમાં આવેલા એક સ્વામીનારાયણ મંદિરના તાબા હેઠળ દીક્ષા લઇને ભગતમાંથી સ્વામી બની ચૂક્યા છે. આ ઓડિયો વાયરલ થયા પછી તેઓ ભૂગર્ભમાં હોવાનું અને તેમના ફોન નંબર અસ્તિત્વમાં ન હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.