રાજકોટ: કોરોનાના સંકટ વચ્ચે રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચૂંટણી ટાળી દેવામાં આવી છે. જોકે એ સાથે બેંકની સ્થાપનાકાળથી અત્યાર સુધીના ઇતિહાસમાં સૌપ્રથમ વખત તમામ બેઠકો બિનહરીફ થવાનો નવો કિર્તીમાન પણ બેંકમાં સ્થપાયો છે. બે બેઠકો પર વિજય સખિયા અને યજ્ઞેશ જોશીએ ફોર્મ ભરતા ચૂંટણી દેખાતી હતી. જોકે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ચેરમેન જયેશ રાદડિયાની સમજાવટથી બંને બેઠકો પર રાદડિયા જૂથ સિવાયના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેવાની જાહેરાત કરતા તમામ ૧૭ બેઠકો તાજેતરમાં બિનહરીફ જાહેર થઇ હતી. આ અંગેની સત્તાવાર જાહેરાત જયેશ રાદડિયાએ કરી પણ હતી.
શહેર શરાફી મંડળીમાં રાડદિયા પેનલના અરવિંદ તાળા સામે સ્વતંત્ર ઉમેદવાર યજ્ઞેશ જોશીએ ફોર્મ ભર્યું હતું. એ જ રીતે રાજકોટ તાલુકાની બેઠકમાં શૈલેષ ગઢિયાની સામે વિજય સખિયાએ ફોર્મ ભર્યું હતું. બંને બેઠકો ઉપર ચૂંટણી થાય એવા સંકેતો હતા. જોકે બંનેએ સમજાવવાના પ્રયત્નો રાદડિયા જૂથે ચાલુ રાખ્યા હતા. જયેશ રાદડિયાએ ૧૦મી જુલાઈએ સત્તાવાર રીતે ૧૭ બેઠકો બિનહરીફ રહેશે અને તેમાં અમારા જૂથના ઉમેદવારો વિજેતા થશે તેવી જાહેરાત કરી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, બે ઉમેદવારોએ ચૂંટણી લડવા માટે ફોર્મ ભર્યા હતા, પરંતુ તે પરિવારજન જેવા જ હોવાનું કહીને મનાવી લેવાયા હોવાનું કહ્યું હતું. બેંકમાં રાદડિયા જૂથનું વર્ચસ્વ એ રીતે જળવાઇ રહ્યું છે.