અમદાવાદઃ ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા મધ્ય પ્રદેશની સુખ્યાત સાગર યુનિવર્સિટી ‘ડો. હરિસિંહ ગૌર વિશ્વ વિદ્યાલય – સાગર’ના ચાન્સેલર તરીકે ડો. બળવંત જાનીને નિયુક્ત કરાયા છે. ડો બળવંત જાનીને આ પદ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા તાજેતરમાં સોંપવામાં આવ્યું હતું. ડો. જાની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનાં પૂર્વ કુલપતિ હોવા ઉપરાંત એનસીટીઈ વેસ્ટ ઝોન ભોપાલનાં પૂર્વ ચેરમેન પણ હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના ડીન તરીકે ફરજ બજાવવા ઉપરાંત ગુજરાતી ભાષા સાહિત્ય ભવનનાં પૂર્વ પ્રાધ્યાપક અને અધ્યક્ષ પદે પણ તેઓ રહી ચૂક્યા છે. સાહિત્ય, શિક્ષણ અને સંસ્કૃતિ ક્ષેત્રમાં તેમનાં વ્યાપક પ્રદાનને અનુલક્ષીને ડો. જાનીને સાગર યુનિવર્સિટીમાં ચાન્સેલર તરીકે નિયુક્ત કરાયા હોવાનું જણાવાયું છે. સૌરાષ્ટ્રમાંથી કોઈ વ્યક્તિ પ્રથમ વખત આ પદ પર નિયુક્ત થઈ છે. સામાન્ય રીતે રાજ્યની યુનિવર્સિટીઓમાં કુલધાપતિ તરીકે જે તે રાજ્યના ગવર્નર જ હોય છે. જ્યારે કેન્દ્ર સરકાર હસ્તકની સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં શિક્ષણ ક્ષેત્રનાં મહત્ત્વના રાષ્ટ્ર વિખ્યાત વિદ્વાનોને કુલાધિપતિનું ગરિમાપૂર્ણ પદ સોંપાય છે.
લોકસાહિત્ય, ચારણી સાહિત્ય, સંત સાહિત્ય, ડાયસ્પોરા સાહિત્ય ક્ષેત્રે ડો. બળવંત જાનીના ૧૨૫થી વધુ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. તેઓ છેલ્લા વીસ વર્ષથી ગુજરાત સરકારના ‘લોકગુર્જરી’ સામાયિકનાં સંપાદક છે. અખિલ ભારતીય સાહિત્ય પરિષદના તેઓ નવ વર્ષ સુધી રાષ્ટ્રીય અધ્યક્ષ હતા અને હાલમાં રાષ્ટ્રીય સંરક્ષક છે. રાજકોટમાં વિદ્યાભારતી સંલગ્ન સરસ્વતી શિશુ મંદિરના તેઓ મેનેજિંગ ટ્રસ્ટી છે. વિદેશમાં વસતા ગુજરાતી સમાજ અને સાહિત્ય માટે ક્રિયાશીલ સંસ્થા ‘ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ’ ગ્રીડસનાં ડો. જાની માનદ નિયામક છે.
સાગર યુનિવર્સિટીમાં રાષ્ટ્રપતિ દ્વારા ડો. બળવંત જાનીની ચાન્સેલર પદે નિયુક્તિ થતાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી, શિક્ષણ પ્રધાન, સંસ્કૃતિ પ્રધાન, ગુજરાતની તમામ યુનિવર્સિટીના કુલપતિ, શિક્ષણકારો, સાહિત્યકારો, પત્રકારો અને સિન્ડીકેટ સભ્યો તથા ડો. બળવંતભાઈ જાનીનાં બહોળા મિત્ર સમુદાયે તેમને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી. નોંધનીય છે કે, ગુજરાતી સાહિત્ય પરિષદની પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં પણ ડો. બળવંત જાનીની ઉમેદવારી છે.