સાડીઓની આડશે મહિલાએ પુત્રને જન્મ આપ્યો!

Wednesday 22nd May 2019 07:03 EDT
 
 

વેરાવળઃ મેડિકલ ઇમરજન્સી એમ્બ્યુલન્સ વાન ૧૦૮માં બાળકોનાં જન્મનાં ઘણા કિસ્સા છે, પરંતુ ૧૦૮ના મેડિકલ સ્ટાફ દ્વારા રસ્તા પર પ્રસૂતિ કરાવાઈ હોવાનો આ કિસ્સો સાનંદાશ્ચર્ય આપનારો છે. વેરાવળ નજીકનાં સવની ગામની સીમ નજીકની એક વાડી પાસે એક પ્રસૂતા લેબર પેઈનથી કણસતી હતી. પથ્થરાળ રસ્તા પર એમ્બ્લુયન્સ જઈ શકે તેમ નહોતી. એ સમયે ૧૦૮ની મેડિકલ ટીમ પગપાળા ગર્ભવતી શ્રમિક પ્રસૂતા પાસે પહોંચી હતી અને સાડીઓની આડશે રસ્તા પર જ પ્રસૂતાએ બાળકને જન્મ આપ્યો હતો.
૧૦૮ સેવા ગ્રામ્ય વિસ્તારમાં છેવાડાના લોકો માટે સંજીવની સમાન છે. ૧૮મી મેએ સાંજે સવનીના વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા કાજલબહેન મુકેશભાઈ પરમારને પ્રસવ પીડા ઉપડી હતી. તેમને ૯મો માસ ચાલી રહ્યો હતો. તેમને પીડા ઉપડતાં પાડોશી ભારતીબહેનને જાણ કરી અને ભારતીબહેને વેરાવળ ૧૦૮માં જાણ કરી.
૧૦૮ની મેડિકલ ટીમમાં જ્યોત્સના રાઠોડ અને વિપુલ ગોહેલ ઘટનાસ્થળે વાન સાથે પહોંચ્યા પરંતુ ગામની સીમથી વાન આગળ જઈ શકે તેમ નહોતી. અંદાજિત ૪૦૦ મીટર જેટલો રસ્તો પથરાળ હતો તેથી વાન છોડીને જ્યોત્સના રાઠોડ અને વિપુલ ગોહેલ સારવારના જરૂરી સાધનો સાથે પગપાળા કાજલબહેન પાસે પહોંચ્યા. બહેનની તપાસ કરી તેમને સ્ટ્રેચરમાં લઈને વાન સુધી પહોંચતા સુધીમાં કાજલબહેનને પ્રસૂતિની પીડા વધી જતાં રસ્તામાં જ પ્રસૂતિ કરાવવી પડે તેવી સ્થતિ સર્જાઈ હતી. તે વખતે આજુબાજુની બહેનોની મદદથી મહિલાની ફરતે સાડીઓનો ઘેરાવ કરીને અને અમદાવાદમાં ૧૦૮ સેન્ટરના મેડિકલ ઓફિસરનો ટેલિફોનિક સંપર્ક કરીને તેમના માર્ગદર્શનમાં તેમણે કાજલબહેનને સફળ પ્રસૂતિ કરાવી હતી. કાજલબહેન તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ માતા-પુત્ર તબિયત સારી
હોવાથી એમ્બ્યુલન્સ મારફત વેરાવળ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter