સાળંગપુર: કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા સર્વજ્ઞાતિના ચતુર્થ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું. અધ્યક્ષસ્થાને વડતાલ ગાદી પીઠાધિપતિ ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ અને ધામોધામથી સંતો-મહંતો આશીર્વાદ પાઠવવા આવ્યા હતા. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ શુભેચ્છા પાઠવી હતી. ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા તથા અનેક રાજકીય અને સામાજિક મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં ૧૮ જાન્યુઆરીએ સાંજે ૪ કલાકે ૧૫૨ નવદંપતી લગ્નગ્રંથિથી જોડાયા હતા. સંસ્થા તરફથી દરેક કન્યાને કરિયાવરમાં મંગળસૂત્ર, પાનેતર, તિજોરી વગેરે ઘરવપરાશની તમામ વસ્તુઓ ભેટ અપાઈ હતી. સમૂહ લગ્નમાં શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી, કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીની દેખરેખ નીચે તથા મહંત પુરાણી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)ના આશીર્વાદથી યોજાયા હતા. નવદંપતીઓ, સ્નેહીજનો, આમંત્રિત મહેમાનો સહિત આશરે ૫૦,૦૦૦થી વધુ હરિભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. લગ્નપ્રસંગ ઉત્સાહપૂર્વક ખૂબ જ ધામધૂમથી સંગીતના તાલે તેમજ ફુગ્ગા ઊડાડી ઊજવવામાં આવ્યો હતો.