સાવરકુંડલા: અમરેલીના સાવરકુંડલામાં ૨૩મી જૂને કિન્નરોનો વરઘોડો નીકળ્યો હતો. આ વરઘોડા માટે સમગ્ર ગુજરાતમાંથી અને ગુજરાત બહારથી પણ કિન્નરોને આમંત્રણ અપાયા હતા. સાવરકુંડલામાં સાત દિવસીય મહોત્સવમાં કિન્નરોના વૃદ્ધ પ્રમુખથી લઈને સાધુ સંતો, આગેવાનોને બગીઓમાં માનપૂર્વક બેસાડી વરઘોડો નીકળ્યો હતો અને ડીજેના તાલે કિન્નરો ઝૂમી ઉઠયા હતા. છેલ્લા ૮૦ વર્ષમાં સૌરાષ્ટ્રમાં પ્રથમ વાર આ ઘટના બની હતી. જેમાં કિન્નરોએ સાવરકુંડલાના શહેરીજનોને એક – એક રૂપિયાની ભેટ આપીને ખુશખુશાલ કરી દીધા હતા. આ વરઘોડા દ્વારા સંદેશ અપાયો હતો કે કિન્નરો પણ સમાજનું મહત્ત્વનું અંગ છે તેમને માનથી જોવા જોઈએ. કિન્નરોના વડીલોને તેમજ વરઘોડામાં નાચી રહેલા કિન્નરોને સાવરકુંડલાના શહેરીજનોએ શરબત પીવડાવી સામાજિક ફરજ બજાવી હતી.