સાસણઃ સાસણ ગીર વનમાં સિંહદર્શન કરવા માટે પરમિટ કઢાવનાર તમામ લોકોએ હવે પોતાનું ફોટો આઈડી પણ સાથે રાખવું પડશે. આ અંગેનો આદેશ સાસણના વન્ય વિભાગ દ્વારા બહાર પાડ્યો છે. જેમાં જણાવ્યું છે કે, જે લોકોએ સિંહદર્શન માટેની પરમિટ કઢાવી હોય, પરમિટમાં જેટલા નામ હોય એ તમામે પોતાના ફોટો આઇડી સિંહસદનમાં આવેલા સ્વાગત કેન્દ્ર ખાતે આરએફઓ સમક્ષ રજૂ કરવાના રહેશે. આરએફઓ ઓળખપત્રોની ચકાસણી કરશે અને અંગેનું પ્રમાણપત્ર આપશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી સિંહદર્શન માટે ફક્ત પરમિટ જ જરૂરી હતી, પરંતુ ડિસેમ્બર, ૨૦૧૭થી આદેશ અમલમાં મૂકવાની જાહેરાત કરાઈ છે.