સિંહ ખસેડવાની યોજનામાં પરિવર્તનની માગ

Wednesday 18th May 2016 07:54 EDT
 

સિંહ ખસેડવાને લઇને બનાવાયેલી ૧૨ સભ્યોની સમિતિએ હવે ગુજરાતમાંથી એશિયાટિક સિંહોને ખસેડવાની યોજનામાં સુધારો કરવા વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાને અપીલ કરી છે. ગુજરાતમાંથી મધ્ય પ્રદેશના કુનોપાલપુર પાસે સિંહને ખસેડવાની હિલચાલ ચાલી રહી છે ત્યારે ગુજરાત દ્વારા સિંહોને ખસેડવાની બાબતે સિંહોને પડનારી અગવડો અંગે કેટલીક ચિંતા વ્યક્ત કરાઈ હતી અને આ સમસ્યાને ધ્યાનમાં લઇને મધ્ય પ્રદેશ આગળ વધે તેવી માગ કરાઈ હતી. 

• સમીર શાહની રાજસ્થાનમાંથી ધરપકડઃ અમદાવાદના રાજમોતી મિલના બ્રાંચ મેનેજર દિનેશ દક્ષિણીની હત્યા બદલ સમીર શાહ વિરુદ્ધ ગુનો નોંધાયા બાદ ફરિયાદી અશોકભાઈ ઠક્કર દ્વારા મુખ્ય પ્રધાન ફરિયાદ નિવારણ સેલમાં આ કેસની ફરિયાદ થઈ હતી. જેના પગલે રાજકોટ પોલીસે બાતમીના આધારે જયપુરમાંથી ૧૪મી મેએ સમીર શાહની ધરપકડ કરી હતી.

• જૂનાગઢમાં રૂ. ૫૦ કરોડના ખર્ચે મિલ્ક પ્રોસેસર પ્લાન્ટઃ સોરઠ (જૂનાગઢ) જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા સ્વભંડોળના રૂ. ૫૦ કરોડના ખર્ચે ૧૪મી મેએ મિલ્ક પ્રોસેસ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી હતી. આ પ્લાન્ટનું ભૂમિપૂજન મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલના હસ્તે થયું હતું. સોરઠનો આ પ્રથમ મિલ્ક પ્રોસેસર પ્લાન્ટ છે.
• તાલાળા વિધાનસભા પેટા ચૂંટણીમાં ૬૩ ટકા મતદાનઃ તાલાળા વિધાનસભાના સૂત્રાપાડા અને તાલાળા તાલુકાના કુલ ૨૩૦ મતદાન મથકો પર કુલ ૧૨૯૨૩૭ મતદારોએ ઉમળકાભેર ૬૩.૬૬ ટકા મતદાન ૧૬મી મેના રોજ કર્યું હતું. આ પંથકમાં મતદાન પ્રક્રિયા શરૂ થતાં ભાજપ, કોંગ્રેસ અને ત્રણ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થયું હતું.
• સોમનાથ ટ્રસ્ટ ૬ કિલો સોનું ગોલ્ડ સ્કિમમાં મૂકશેઃ સોમનાથ ટ્રસ્ટ પાસે સોમનાથ મહાદેવ તથા અન્ય દેવી દેવતાના આભૂષણો મળીને ૧૪૯ કિલો સોનું છે જે પૈકી ૬ કિલો સોનું પ્રધાનમંત્રી ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કિમમાં આગામી જૂન માસથી મુકાશે તેવું મંદિર ટ્રસ્ટના સેક્રેટરી પી. કે. લહેરીએ તાજેતરમાં જણાવ્યું હતું.
• ગીર જંગલ બોર્ડરના ૧૪ ગામોના પ્રશ્નો પર ફેરવિચાર થશેઃ ગીરગઢડા તાલુકાના જામવાળામાં વનવિભાગના પ્રશ્નોને લઈને સરપંચ નરેશ ત્રાપસિયાની આગેવાની નીચે ચાલતું ઉપવાસ આંદોલન ૧૧મી મેએ વનવિભાગની ખાતરીથી ૨૦ દિવસ બાદ સમેટાયું છે. પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા અને વનવિભાગના અધિકારીઓએ ઉપવાસીઓની છાવણીની મુલાકાત લઈને ગીર જંગલ બોર્ડરના ૧૪ ગામોના પ્રશ્નો, માલધારીઓના પ્રશ્નો, જંગલમાં આવેલા યાત્રાધામ પાતાળેશ્વર, બાણેજમાં દર્શનાર્થીઓને પ્રવેશની છૂટ અંગેના નિયમો પર ફેરવિચાર પ્રત્યે હકારાત્મક વલણ અપનાવવાની બાંહેધરી આપતાં બેમુદ્દતી ઉપવાસ કરતા નરેશ ત્રાપસિયા અને અપંગ હર્ષાબહેન કોટડિયાએ પારણા કર્યાં હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter