રાજકોટ: ગીરમાં સિંહની વસતી ગણતરી થવાની છે તે પૂર્વે જ વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાની ટીમે ગીરમાં વસતા સિંહો, તેની સંખ્યાનો અને તેની આદતોનો બારીકાઈથી અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં ગંભીર બાબત ટાંકવામાં આવી છે કે, હવેના સાવજોમાં શિકાર કરવાની ક્ષમતા ઘટતી જાય છે. સિંહબાળને પ્રાણીઓનાં મૃતદેહને જ ખાવાની આદત પડતી જાય છે. ખાસ કરીને જે વિસ્તારમાં પ્રવાસીઓ ફરવા આવતા હોય તેવા વિસ્તારમાં સિંહો મૃત પ્રાણીઓને ખાઈને પેટ ભરતા હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટમાં નોંધાયું છે કે સાવજો શિકારની કુશળતા અને ક્ષમતા ગુમાવી રહ્યા છે અને તે અતિગંભીર બાબત છે.
વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાના સંશોધનકારો વાય. વી. ઝાલા, કેશવ ગોગોઈ, કૌશિક બેનરજી અને ઉજ્જવલ કુમારે સિંહ સંદર્ભે રિસર્ચમાં અમુક મુદ્દા નોંધ્યા છે. તેઓએ ૬૭ અલગ અલગ સ્થળે ૩૬૮ સિંહ વિહરતા હોવાનું નોંધ્યું હતું અને ગીરના પશ્ચિમી વિસ્તાર અને રક્ષિત અભયારણ્યમાં પ્રતિ ૧૦૦ ચો.મી.એ ૮થી ૯ સિંહ રહેતા હોવાનું નોંધ્યું છે. એનો અર્થ એ થયો કે મોટાભાગના સિંહ ગીર બહાર નીકળી ગયા છે. આ સંશોધનમાં ગંભીર વાત એ સામે આવી હતી કે, સાવજો ચિતલ અને સાબરને ખાવાનું વધારે પસંદ કરે છે પણ દોડીને તેનો શિકાર નથી કરતા. ગીરમાં પ્રવાસીઓને જે વિસ્તારમાં જવાની છૂટ છે તેવા વિસ્તારોમાં ચિતલ કે સાબરનો મૃતદેહ પડયો હોય તો જ ખાય છે. એનો અર્થ એ કે, પાઠડા (સબ એડલ્ટ)માં પણ શિકાર કરવાની કુશળતા રહી નથી.