અમદાવાદઃ ગીરના સાવજોને સ્થળાંતરિક કરવા માટે કુનો-પાલપુર અભ્યારણ્ય અનુકૂળ હોવાનું ભલે સુપ્રીમ કોર્ટના આદેશોથી રચાયેલી ૧૨ સભ્યોની નિષ્ણાત સમિતિએ કહ્યું હોય પણ ગુજરાત સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી પ્રકૃતિના જતન માટે આંતરરાષ્ટ્રીય સંઘના સ્થળાંતર સંબંધિત તમામ ૩૬ અધ્યયનો કરવામાં ન આવે ત્યાં સુધી ગુજરાત સરકાર આ વિશે વિચારવાની નથી.
ગુજરાતનાં પર્યાવરણ અને વન પ્રધાન ગણપત વસાવાએ ૩૧મી ડિસેમ્બરે કહ્યું હતું કે રાજ્ય સરકાર ક્યારેય પણ એશિયાટીક સિંહોને મધ્યપ્રદેશમાં સ્થળાંતરિત કરવાની તરફેણમાં રહી નથી. આવું થતું અટકાવવા માટે પણ શ્રેષ્ઠ પ્રયાસો કરવામાં આવશે. રાજ્ય સરકારે એપ્રિલ ૨૦૧૩નાં સર્વોચ્ચ અદાલતનાં આદેશનો અભ્યાસ કરીને ૧૨ સભ્યોની નિષ્ણાત સમિતિને આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકા અનુસાર નવેસરથી અભ્યાસ કરીને અભિપ્રાય આપવા માટે કહ્યું છે.
આ ઉપરાંત મધ્ય પ્રદેશ કયા વિસ્તારને સિંહ સંરક્ષણ માટે સૂચિત કરશે તે પણ ગુજરાત સરકાર જાણવા માગે છે. આ તમામ કામો થયા બાદ જ ગુજરાત સરકાર આગળ
કોઈ વિચાર કરશે તેવું વસાવાએ કહ્યું હતું.